અત્યાર સુધી 2266 લોકો સંપર્કથી દૂર

ભુજ, તા. 29 : કોરોના વાયરસ હેઠળ કચ્છમાં અત્યાર સુધી કુલ 2266 લોકોને એકબીજાના સંપર્કથી દૂર રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે 24 કલાકમાં 2000 વ્યક્તિનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે. બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરેન્ટાઈન સમયમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન 122 જેટલી વ્યક્તિઓને અલગ કરવામાં આવી છે. કુલ 2266માંથી 2210 વ્યક્તિને ઘરમાં સાચવવામાં આવ્યા છે, આમાંથી 21 લોકો સ્થાનિક ન હોવાનું જણાવાયું છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 78 જેટલા આઈસોલેશન વોર્ડ છે જેમાં 17 શંકાસ્પદ વ્યક્તિઓમાંથી 16 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું અને એક દર્દી હજી દાખલ છે તેવું એક યાદીમાં જણાવાયું હતું  જિલ્લાના કુલ 1902 ઇન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઇનની વ્યવસ્થા છે જેમાં 56 વ્યક્તિઓને અલગ તારવી અને એમાંથી 20 વ્યક્તિઓને મુક્ત કરવામાં આવ્યા છે, આ વિગતો આજે સાંજના ચાર વાગ્યા સુધીની છે તેવું આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. દરમિયાન કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે શરૂ કરવામાં આવેલા ઘરોઘર સર્વે હેઠળ 759 વ્યક્તિઓને આરોગ્ય તપાસ માટે રિફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના 10 તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલી આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો દ્વારા ઘરે જઈને શરદી- ખાંસી ને ઉધરસવાળી વ્યક્તિઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 16,91,798 લોકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 759 વ્યક્તિઓને આરોગ્ય તપાસ માટે રિફર કરવામાં આવ્યા છે. આરોગ્ય ખાતાની યાદી પ્રમાણે સમગ્ર જિલ્લામાં 76.18 ટકા લોકોના સર્વેની  કામગીરી કરી દેવામાં આવી છે. બીજી બાજુ કોવિડ-19નાં પગલે કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશન, અન્ય સ્થળોએ ક્રીનિંગ કરવામાં પણ આવી રહ્યું છે. ગઈકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં 1939 વ્યક્તિઓનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જ્યારે કુલ 31,204 લોકોનું ક્રીનિંગ કરાયું છે, જેમાંથી 17 લોકોના શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધી એક જ પોઝિટિવ કેસ છે, જ્યારે કુલ 16 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એવું જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer