કંડલા બંદરેથી રેલ મારફત ખાતરનું પરિવહન શરૂ

ગાંધીધામ, તા. 29 : કોરોના વાયરસે વિશ્વભરની સાથે ભારતમાં પણ સકંજો જમાવ્યો છે. આ જીવલેણ વાયરસની લડત સામે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી તાળાબંધી કરાઈ છે. લોકડાઉનના પગલે રેલવે દ્વારા થતાં માલ પરિવહન પૈકી અમુક વસ્તુઓનું પરિવહન ઠપ થઈ ગયું હતું. પરંતુ ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ન વણશે અને મહાબંદર ઉપર કાર્ગોના થયેલા સંગ્રહને બાનમાં રાખીને કંડલા બંદરે આજે ખાતરની રેકનું લોડિંગ કરાયું હતું. આગામી દિવસોમાં મીઠા, ખાદ્યતેલનું પરિવહન પણ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી જારી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.રેલવેના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રેલવે મંત્રાલય દ્વારા આવશ્યક અને બિનઆવશ્યક તમામ માલનું પરિવહન જારી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારની ના હોવાના કારણે હાલ કંડલા અને મુંદરા બંદરેથી કન્ટેનર કાર્ગોનું વહન શરૂ હતું અને લોકડાઉન જાહેર થયું ત્યારથી મીઠું, ખાતર, ખાદ્યતેલ, કોલસો સહિતનું પરિવહન અટકેલું પડયું હતું. રેલ મારફત પરિવહન બંધ થઈ જતાં કંડલા બંદરે ખાતર મીઠા સહિતના કાર્ગોનો ખડકલો થયો હતો. આ જથ્થો ઓછો કરવા માટે  આજથી કંડલા બંદરે  ખાતરની રેક લોડ કરવામાં આવી હતી. રેલવેના અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશભરમાં માલનો જથ્થો આગામી દિવસોમાં ઓછો થશે ત્યારે આગામી 10?દિવસ બાદ તો કોઈ પણ સંજોગોમાં તમામ માલનું પરિવહન શરૂ કરવું પડશે. હાલ મજૂરોને તેના રાજ્યમાં મોકલી દેવાની પેરવી કરાય છે, તો આગામી દિવસોમાં પરિવહન શરૂ કરવામાં ભારે મુશ્કેલી ઊભી થશે તેવી દહેશત સેવાઈ રહી છે. દરમ્યાન ખાતરનું પરિવહન શરૂ થયા બાદ આગામી દિવસોમાં મીઠું અને ખાદ્યતેલના રેક દોડાવવા ચક્રો ગતિમાન કર્યા?છે. હાલ ઓછા શ્રમિકોને કામે રાખી કોરોના સંદર્ભે આપેલી માર્ગદર્શિકા જાળવી કામ કરાવવું પડશે. મીઠાનું પરિવહન શરૂ કરાવવા માટે ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા  વડાપ્રધાનને પત્ર પાઠવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાંથી દૈનિક મીઠાની પાંચ રેક જાય છે, તેમાંથી બે રેક કચ્છમાંથી રવાના થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer