કોરોનાએ અબડાસામાં ઘઉંનાં વેચાણને અવરોધ સર્જ્યો

નલિયા (તા. અબડાસા), તા. 29 : અબડાસામાં શિયાળુ પાક ઘઉંનો ઉતાર સારો આવ્યો પણ શિયાળો લાંબો ચાલતાં ગત નવેમ્બર, ડિસેમ્બરમાં બોર આધારિત ખેતીવાળા ગામો અને ડેમ આધારિત પિયતની સગવડવાળા ગામની સીમની જમીનમાં એક લાખ એકરથી વધુ જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું હતું. જેનો હવે ફાલ ઊતરવા લાગ્યો છે. આ માટે પંજાબથી આધુનિક એવા 60 હાર્વેસ્ટરો ઘઉંની કાપણી માટે કામે લાગ્યા છે. શ્રમિકોની અછતના કારણે ઘઉં નીકળ્યા પછી તેને ગોડાઉનમાં પહોંચાડવા માટે વ્યવસ્થા નહીં ગોઠવાતાં અને તેમાંય માવઠું થતાં અનેક ખેડૂતોના ઘઉં બગડી રહ્યા છે. ઘઉંની ખેતી મુખ્યત્વે અહીં ભાગીદારીથી આપી દેવાય છે પણ મોટાભાગના ભાગીદારો હરિયાણા, પંજાબના હોવાના કારણે પોતાના વતન ચાલ્યા જતાં હાર્વેસ્ટરોએ કાઢેલો જથ્થો હવે વાડીમાં જ પડી રહ્યો છે. અધૂરામાં પૂરું હોય તેમ ઘઉંનું ખરીદ કેન્દ્ર તો શરૂ થયું છે પણ તેમાં ઘઉં આપનારને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાના કારણે ખેડૂતો પોતાના ઘઉં ખાનગી વેપારીઓને પ્રતિ ક્વિન્ટલ રૂા. 1600થી રૂા. 1650ના ભાવે વહેંચી રહ્યા હોવાની વિગતો મળી હતી. ખરીદ કેન્દ્રમાં ઘઉં પહોંચાડવા માટે ખેડૂતોને અઘરું પડતું હોવાના કારણે ઘઉં વાડીમાંથી જ વેપારીઓ લઈ જાય છે. પરિણામે ખેડૂતોને ઓછા ભાવે ઘઉં વેચવા પડે છે. ખરીદ કેન્દ્રમાં પ્રતિ ક્વિન્ટલે ટેકાના ભાવ રૂપિયા 1925નો ભાવ મુકરર કરાયો છે. ખરીદ કેન્દ્રમાં પ્રતિ હેકટરે પ0 કિ.ગ્રા.નો એક એવા 34 બાચકા રાખવામાં આવે છે. અહીં ઘઉંની ખેતી મોટા પ્રમાણમાં હોતાં ખરીદ કેન્દ્રમાં ઘઉં વેચવા લાંબો સમય લાગતો હોવાના કારણે આવી માથાકૂટમાં પડવાને બદલે ખાનગી વેપારી વાડી પર કાંટો કરી રોકડા પૈસા આપી ઘઉં લઈ જાય છે. બીજી તરફ અબડાસામાં માવઠું થવાના કારણે વાડીમાં ખુલ્લામાં પડી રહેલા ઘઉં બગડી રહ્યા છે. તો હજી 40 ટકા ફાલ ઉતારવાનો બાકી છે. આવા ઘઉંના ફાલને પણ નુકસાન થયું છે. ચાલુ વર્ષે શિયાળો લાંબો ચાલતાં નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં વાવેલા ઘઉંનો ઉતાર મબલખ થયો છે. પ્રતિ એકરે 1400થી 2000 કિ.ગ્રા.નો ઉતાર આવે છે. પાછોતરા વાવેતરમાં ઉતાર ઓછો છે. આમ તો ઘઉં કાઢવા હાર્વેસ્ટર મશીન કામે લાગ્યા છે. પ્રતિ એકર એક હજારના ભાડાથી હાર્વેસ્ટર ઘઉં કાઢી આપે છે. જેને ગોડાઉનમાં કે સલામત સ્થળે રાખવા શ્રમિકો કે ભાગીદારોની જરૂરી પડે તેવા વર્ગની ગેરહાજરી રહી છે. અધુરામાં પૂરું હોય તેમ કોરોના વાયરસના કારણે પણ ઘઉંના વેચાણને અવરોધ સર્જાતાં ખેડૂતોની મુશ્કેલી વધવાની સાથે માવઠાએ પણ ઘઉંને જફા પહોંચાડી હોવાની ફરિયાદ ઊઠી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer