ગ્રામ્ય પોસ્ટ ઓફિસો બંધ હોવાથી કચવાટ

મુંજાલ સોની દ્વારા- ભુજ, તા. 29 : કોરોના વાયરસ સામે લડવા માટે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓને બાકાત રખાઈ છે પણ કચ્છમાં ભુજ અને મુખ્ય કેન્દ્રોની ઓફિસ સિવાય તમામ પોસ્ટ કચેરીઓ બંધ રહેતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં કચવાટ ફેલાયો છે. ખાસ કરીને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે બચત યોજના સહિતની યોજનાઓના નાણાં સમયસર મળશે કે કેમ તેની ચિંતા ય લોકોને સતાવી રહી છે. અલબત્ત, જિલ્લાના ડાક પ્રશાસને ગામડાઓમાં લોકોને પોસ્ટના અનિવાર્ય કામ હોય તો તેના ઉકેલ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરીને તેના નંબર જાહેર કર્યા છે. પણ ગામડાના ખાતેદારો એવી ફરિયાદ કરી રહ્યા છે કે આ નંબર પર ફોન જ ઉપડતો નથી ! લોકડાઉનના દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો અને વિતરણ ચાલુ છે. હોમ ડિલિવરી થઈ રહી છે. તો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગ સાઈટો પણ આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી કરવાનો નિર્ણય લીધો છે પણ પોસ્ટ ઓફિસનું ટપાલકવરના વિતરણનું કામ બંધ છે. ઉપરાંત નાના સેન્ટરોની પોસ્ટ કચેરીઓ પણ સોમવારથી જ બંધ કરી દેવાઈ છે જેને લીધે લોકોના કામ ખોરવાઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જેના અંતર્ગત અનેક નાના મોટા ગામડાં આવે છે એ કુકમા સહિતની પોસ્ટ કચેરીઓ બંધ રહેતાં લોકોએ ફરિયાદ કરી હતી કે  અમુક સમય માટે કચેરીઓ ખુલવી જોઈએ જેથી લોકોના કામ થઈ શકે. તાલુકા મથકે ઓફિસો ખુલી હોય, પણ લોકડાઉનમાં લોકો ભુજ, અંજાર, માંડવી કે ગાંધીધામ કેવી રીતે પહોંચે ? બેંકો ખુલી છે તો પોસ્ટ ઓફિસો દરેક ગામમાં ખુલ્લી હોવી જોઇએ. આ સંદર્ભમાં કચ્છના ડાક અધીક્ષક સિરાઝ મન્સૂરીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ઉપરથી મળેલી સૂચના મુજબ હેડ પોસ્ટ ઓફિસ(ભુજ) અને જિલ્લાના મુખ્ય સેન્ટરો, જેવા કે ગાંધીધામ, માંડવી, અંજાર વગેરે ચાલુ જ છે. અને આ કચેરીઓ પણ અમુક સમય માટે અને સ્ટાફની વૈકલ્પિક હાજરી મુજબ ચાલુ છે. બાકી, ગામડાંઓમાં ખાતાધારકોને અનિવાર્ય જરૂરિયાત આવી પડે તો એ માટે અમે કંટ્રોલરૂમ ચાલુ કર્યો છે. જરૂરિયાતવાળા લોકો 220903 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે. બાકી વિધવાસહાય સહિતના નાણાં 20મી તારીખ સુધીમાં જ વિતરિત કરી દીધાં છે. ટપાલ વિતરણ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે પરિવહનની સેવાઓ ઉપરથી જ બંધ હોવાથી હાલમાં ટપાલ-કવરોનું વિતરણ શક્ય નથી. દરમ્યાન, સૂત્રોના જણાવ્યા અનુસાર જે તે તાલુકા મથકની કચેરીઓએ ગ્રામ્ય વિસ્તારના બ્રાન્ચ પોસ્ટ માસ્તરોને કહી દીધું છે કે ગામડામાં લોકોને નાણાંની જરૂર હોય તો તરત જાણ કરવી. તાલુકા મથકેથી જે તે બી.પી.એમ. પાસે નાણાં ટ્રાન્સફર થઇ જશે જેથી તે ખાતાધારકને નાણાં આપી શકે. જો કે, ગામડાઓમાં કર્મચારી સ્થાનિક ન હોય તો લોકોની પરેશાની યથાવત રહેવાની છે. બીજીતરફ સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટલ બચત બેંકમાં મોબાઇલ બેંકિંગની સુવિધા હોવા છતાં ભુજ વડી કચેરીએ એક્ટિવેટ કરાતું નથી. લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ભુજ સહિત કચ્છમાં પણ મોબાઇલ બેંકિંગ સુવિધા શરૂ?થવી જોઇએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer