આદિપુરમાં જાણે લોકબંધની અસર નથી !

ભુજ, તા. 29 : ગાંધીધામના જોડિયા શહેર આદિપુરમાં સામાન્ય નાગરિકો લોકબંધની પરવા કર્યા વગર ગમે ત્યારે ટહેલવા નીકળતા હોય છે તો કયાંક ટોળે વળીને ઊભા રહેતા હોવાની ફરીયાદ ઊઠી છે. ખુદ પ્રધાનમંત્રીએ આખા રાષ્ટ્રમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે અને બીમારીને આગળ વધતી અટકાવવા લોકોને ઘરે જ રહેવાની સૂચના આપી છે, જેનો આદિપુરમાં અમલ થતો નથી. કેટલાક જાગૃત નાગરિકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર એકથી વધુની સંખ્યામાં નીકળતા લોકોના મોબાઇલ પર ફોટા પાડીને મોકલ્યા હતા. પોલીસને  જાણ કરવા છતાં કડકાઇથી અમલ થતું નથી તેવી ફરીયાદ ઊઠી હતી. ગાંધી સમાધિ રોડ હોય કે મૈત્રી રોડ, સેન્ટ ઝેવિયર્સ તરફના રસ્તે કે તળાવથી એસ.ટી. બસ સ્ટેશનવાળા રસ્તે લોકોની ચહલ-પહલ ચાલુ જ હોય છે, તેમાંય કયાંક બરમુડા કે હાફ ચડ્ડી પહેરી લોકો ટોળે વળીને નીકળી રહ્યા છે. લોકોને ઘરે રહેવાની તાકીદ કરવામાં આવી છે તેમ છતાં તેનું પાલન શહેરમાં કરવામાં આવતું નથી, ડરના માર્યા વડીલો ઘરમાં બેસીને પોલીસનું ધ્યાન દોરતા રહે છે પણ તેઓએ કહ્યું કે, અમારું સાંભળે કોણ ? ખાસ કરીને યુવાનિયાઓ પોતાની બાઇક લઇને કારણ વગર આંટા મારતા હોય છે, તો શહેરમાં ગંદકી સામે પણ પગલાં લેવામાં આવતાં નથી, સફાઇકાર્ય આવા સમયે નિયમિત થાય તેવી માંગ ઊઠી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer