કોરોના થકી કચ્છનો ચાઇનાક્લે ઉદ્યોગ મંદ

કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 29 : કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુના આહવાનમાં ભુજ તાલુકાના ચાઇનાક્લે માટીના અનેક ખાનગી એકમો બંધમાં જોડાયા હતા જેમાં લેર, શેખપીર, પદ્ધર, મમુઆરા, લાખોંદ, કાળી તલાવડી, નાડાપા વગેરે વિસ્તારમાં આવેલાં એકમો બંધમાં જોડાયા છે. આ એકમોના કામદારોને રવિવારે ઘેર રહેવા સૂચના અપાઇ હતી તેમજ કોરોના વાયરસના ફેલાવાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ઘણી કંપનીઓએ 60 વર્ષની આસપાસ ઉંમરના કર્મચારીઓ, કામદારોને 31/3 સુધી રજા જાહેર કરવામાં આવી છે અને સાથેસાથે કામદારોને સેનેટાઇઝર, માસ્ક, હાથના મોજાનું વિતરણ કરવામાં આવ્યું છે. તો શરદી, તાવના આંશિક લક્ષણો દેખાતા હતા તેવા કામદારોને અગમચેતીના ભાગરૂપે ઘરે જ્યાંથી સૂચના ન અપાય ત્યાં સુધી ઘરે રહેવાનું સૂચન આપવામાં આવેલું છે. જેમાં દરેક કામદારોને ફરજિયાત આ નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. બીજીબાજુ કચ્છની ચાઇનાક્લેની ચીનમાં મોટાપાયે નિકાસ થાય છે જેમાં (ચાઇનાક્લે) લેવીગેટ, પાવડર, રો-મટિરિયલનું મોટાપાયે સપ્લાય થાય છે તેમજ આ ઉદ્યોગથી લગતા લેબના સાધનો અને મશીનો વધારે પડતા ચીનથી આવતા હોય તે પણ થોડા સમયથી આયાત નથી થતા જેના કારણે આ ઉદ્યોગમાં અસર જોવા મળી રહી છે. આ ઉદ્યોગનું મટિરિયલ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા વગેરે રાજ્યોના સિરામિક ઉદ્યોગમાં પણ?ચાઇનાક્લે મોટા પ્રમાણમાં સપ્લાય થાય છે પરંતુ કોરોના વાયરસના કારણે માટીના ઓર્ડરોમાં મંદી જોવા મળી રહી છે જેના કારણે ચાઇનાક્લેના (નિકાસ) ઉદ્યોગથી જોડાયેલા?ટ્રકો-ડમ્પર માલિકો તેમજ ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગમાં  પણ અસર વર્તાઇ રહી છે. ઉપરાંત આ ખાનગી એકમોમાં મોટાપાયે પરપ્રાંતીય લોકો મજૂરીકામ સાથે જોડાયેલા છે જે રાજકોટ, ડાંગ, પાટણ?તેમજ મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાંથી આવતા હોય છે, જે હોળી તેમજ લગ્ન પ્રસંગે મોટા પ્રમાણમાં આવ-જાવ કરી રહ્યા છે. આમાંથી અમુક વિસ્તારમાં પહેલા કોરોના વાયરસના પોઝિટિવ કે શંકાસ્પદના કેસ નોંધાયેલા છે તેવા વિસ્તારમાંથી આવતા લોકોની તપાસ આરોગ્ય તંત્રે કરવી જોઇએ અથવા લોકજાગૃતિ માટે પ્રયાસો કરવા જોઇએ જેમાં થોડા સમયમાં બહારથી આવેલા કામદારોની ઓળખ કરીને જરૂરી પગલાંઓ લેવા જોઇએ જેથી સમય જતાં કોઇ?ગંભીર પરિણામ આવે તે પહેલાં લોકો અને તંત્રને જાગૃત થવું જોઇએ તેવું જાગૃતોએ કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer