ટીમ ઇન્ડિયાના ઓસી પ્રવાસ સામે સવાલ

નવી દિલ્હી, તા.29: ઓસ્ટ્રેલિયાની સરકારે કોરોના વાઇરસના ખતરાને ધ્યાને રાખીને આવતા 6 મહિના સુધી તેના દેશની સરહદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેના લીધે ભારતીય ક્રિકેટ ટીમનો આગામી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ઘોંચમાં પડી શકે છે.  ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો પ્રારંભ 18 ઓકટોબરથી ટી-20 ત્રિકોણીય શ્રેણીથી થાય છે. જે ડિસેમ્બરમાં ટેસ્ટ શ્રેણી સાથે સમાપ્ત થાય છે. આ દરમિયાન 18 ઓકટોબરથી ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે. જે પણ કાંગારૂ ધરતી પર રમાવાનો છે. તેના પર પણ આ મહામારીને લીધે સંકટના વાદળો ઘેરાયા છે. ઓસ્ટ્રેલિયામાં હાલ 2000ની આસપાસ કોરોના વાઇરસથી સંક્રમિત છે અને 16ના મૃત્યુ થયા છે. જેથી સરકારે દેશની સીમા બંધ કરી દીધી છે. હવે જો આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાની સીમામાં પ્રવેશની મંજૂરી નહીં મળે તો ટી-20 વર્લ્ડ કપની સાથોસાથ ભારતીય ટીમનો પ્રવાસ પણ લગભગ રદ કરવાની નોબત આવશે.  બીસીસીઆઈએ આઇપીએલ પર પણ હજુ આખરી ફેંસલો લીધો નથી. આ પછી ટીમ ઇન્ડિયાએ શ્રીલંકામાં વન ડે અને ટી-20 શ્રેણી રમવાની છે. ઝિમ્બાબ્વેનો પ્રવાસ પણ છે. એશિયા કપ ટી-20 યૂએઇમાં રમાવાનો છે. ઇંગ્લેન્ડ વિરૂધ્ધ લીમીટેડ ઓવર્સની સિરિઝ રમવાની છે. આ તમામ શ્રેણી પણ કોરોના લીધે ઘોંચમાં પડી શકે છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ 6 માસ ચાલુ રહેશે તો આ તમામ શ્રેણી દુ:સ્વપ્ન જેવી બની રહેશે. ઇંગ્લેન્ડની ટીમ પણ હવે સપ્ટેમ્બરમાં ભારત આવશે કે નહીં, તે પણ એક સવાલ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer