અફ્રિદીના ફાઉન્ડેશનને મદદની અપીલથી ભજ્જી ટ્રોલ

નવી દિલ્હી તા.29: ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંઘ સોશિયલ મીડિયા પર લોકોના નિશાન પર છે. રવિવારે હરભજને તેના ટિવટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પછીથી તે સતત ટ્રોલ થઇ રહયો છે અને લોકોના નિશાન પર આવી ગયો છે. હરભજને આ વીડિયોમાં પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ અફ્રિદીના ફાઉન્ડેશનને મદદ કરવાની અપીલ કરી છે. ચાહકો કહી રહયા છે કે ભજજી પહેલા આપણા દેશનું વિચાર. હરભજને કહયું છે કે પૂરી દુનિયામાં કોરોના વાઇરસને લીધે અનેકની જાન ગઇ છે. પછી તે ભારતની વાત કરું કે અમેરિકાની કે પાકિસ્તાનની વાત કરું. ઇટલી-સ્પેનમાં આ મહામારીને લીધે લોકો મુશ્કેલીમાં છે. આપણે બધા ઇન્સાનોએ એકજૂટ થવાની જરૂર છે. એક-બીજાની મદદ કરવી જોઇએ. હું ધન્યવાદ આપવા માંગુ છું શાહિદ અફ્રિદીના ફાઉન્ડેશનને જે ઇન્સાનિયત માટે ઘણું સારું કામ કરી રહયું છે. આપ પણ આ અભિયાનનો હિસ્સો બની શકો છો. બસ આ જ વાત યૂજર્સને પસંદ આવી નથી. શાહિદ અફ્રિદીનું ફાઉન્ડેશન પાકિસ્તાનમાં કોરોના સામે લડવા અભિયાન ચલાવી રહયું છે.  જેમાં તેણે ત્રણ ક્રિકેટરને નોમીનેટ કર્યાં છે. આ નોમીનેટ ક્રિકેટરે આગળ ત્રણ ખેલાડીને નોમીનેટ કરવાના હોય છે. અફ્રિદીએ હરભજનસિંઘ, ઇંગ્લેન્ડના ક્રિસ જોર્ડન અને પાકિસ્તાનના મોહમ્મદ આમિરને નોમીનેટ કર્યાં હતા. અફ્રિદીના ફાઉન્ડેશન દ્વારા જરૂરતમંદોને રાશન આપવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer