શું સ્મિથ ફરી ઓસી.નો કેપ્ટન બનશે ?

સિડની તા.29: સ્ટાર કાંગારૂ ક્રિકેટર સ્ટીવન સ્મિથ હવે તેની રાષ્ટ્રીય ટીમનું સુકાન સંભાળવા માટે સ્વતંત્ર છે. તેના સુકાનીપદ પર લાગેલા બે વર્ષનો પ્રતિબંધ આજે રવિવારે સમાપ્ત થયો છે. 30 વર્ષીય સ્ટીવન સ્મિથ 2019માં સસ્પેન્ડ થયો હતો. ત્યારે તે ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન હતો. બોલ ટેમ્પરિંગ મામલે તેના અને વોર્નર-બેનક્રોફટ પર પ્રતિબંધ મુકાયા હતા. સ્મિથ બે વર્ષ સુધી કેપ્ટનશીપ પણ સંભાળી શકશે નહીં, તેવી સજા પણ થઇ હતી. નવ માસના પ્રતિબંધ બાદ સ્મિથે સફળ વાપસી કરી લીધી છે. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમનો સુકાની વિકેટકીપર ટિમ પેન છે. તેના સ્થાને ફરી સ્મિથ સુકાની બનશે કે નહીં, તે વિશે હાલ તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોઇ સ્પષ્તા કરી નથી. જો કે ટીમના કોચ જસ્ટિન લેંગર ટિમ પેનના નેતૃત્વથી ખુશ છે. જો કે ટિમ પેનનું ખુદનું પ્રદર્શન સાતત્યસભર રહયું નથી. બીજી તરફ વન ડે વિકેટકીપર એલેકસ કેરી ટેસ્ટ ટીમમાં સ્થાન જમાવવા સતત સારું પ્રદર્શન કરી રહયો છે. મેથ્યૂ વાડે પણ વિકેટકીપર છે. તે હાલ ટેસ્ટ ટીમમાં ફકત બેટસમેનના રૂપમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહયો છે. આથી ટેસ્ટ કેપ્ટન ટિમ પેનનું સુકાનીપદ જોખમમાં મુકાયું છે. સ્મિથને ફરી ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ મળી શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer