કચ્છના પ્રાથમિક શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે

ભુજ, તા. 29 : વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર દેશ અને દુનિયામાં ભરડો લીધો છે ત્યારે આ સંકટને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકારો તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આ ભગીરથ કાર્યમાં તેમને મદદરૂપ થવા માટે રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ આગળ આવ્યા છે અને એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. મહેશ જોશીની પ્રેરણાથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીશ પટેલ, કોષાધ્યક્ષ ભાભલુ વરુ વગેરે દ્વારા રાજ્યના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી, રાજ્યસંઘના હોદ્દેદારો તથા તમામ શિક્ષકમિત્રો સમક્ષ સંકટની આ ઘડીમાં સૌને મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી હતી. જેને રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોએ સહર્ષ સ્વીકારી લીધી હતી અને રાજ્યના તમામ શિક્ષકોએ પોતાનો 1 દિવસનો પગાર  મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા તૈયારી દર્શાવી હતી. રાજ્યના તમામ જિલ્લા સંઘના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો દ્વારા સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ તથા શિક્ષણાધિકારીઓને સાથે રાખીને સહાયની આ રકમના ચેક જે-તે જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવવા અર્પણ કરવામાં આવશે. રાજ્ય સંઘની અપીલના પગલે કચ્છ જિલ્લાના પણ તમામ પ્રાથમિક શિક્ષકો પોતાનો 1 દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતકોશમાં જમા કરાવશે તેવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઈ આહીર તથા રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે. જિલ્લાના ઘણા શિક્ષકો તો એનાથી પણ આગળ વધીને પોતાના પગારના 10 ટકા તો કેટલાકે વ્યક્તિગત રીતે 5, 10, 25 તથા 51 હજાર સુધીની રકમ આપવા તૈયારી દર્શાવી છે. પ્રાથમિક શિક્ષકોના આ ભગીરથ કાર્યને જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર વગેરે દ્વારા બિરદાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer