કચ્છમાં જાહેરનામાના ભંગ બદલ 24 પોલીસ કેસ

ભુજ, તા. 29 : લોકડાઉન દરમ્યાન આજે કચ્છમાં જાહેરનામાના ભંગ બદલ પોલીસે 24 કેસ દાખલ કર્યા છે. જ્યારે બિનજરૂરી રીતે રખડતા-ભટકતા લોકો પોલીસની ઝપટે ચડયા હતા. વાહન ડિટેઇન સહિતની કાર્યવાહી પણ પોલીસે કરી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જાહેરનામા ભંગના આજે 10 કેસ કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, તથા બિનજરૂરી રોડ?ઉપર નીકળેલા માણસોના કુલ 116 વાહન અલગ-અલગ પોલીસ મથકમાં ડિટેઇન કરવામાં આવ્યા છે. જાહેરનામા ભંગ અંગેના મુંદરા પોલીસ મથકમાં પાંચ, મુંદરા મરીનમાં બે અને વાયોર તથા માનકૂવામાં એક-એક કેસ નોંધાયા છે. દરમ્યાન પૂર્વ કચ્છમાં જાહેરનામાનો ભંગ કરનાર 14 લોકો સામે પોલીસે ગુના નોંધ્યા હતા. તુણામાં ઠંડાં પીણાંની દુકાન ચાલુ રાખનારા એક શખ્સની કંડલા પોલીસે અટક કરી હતી. સામખિયાળીની પરશુરામ સોસાયટીમાં કારણ વગર એકઠા થયેલા ચાર લોકોને પકડી લેવામાં આવ્યા હતા. રાપરના સલારી નાકા પાસે પાનની દુકાન ખૂલી રાખનારની ધરપકડ? કરવામાં આવી હતી તેમજ આદિપુરના 4-બી વિસ્તારમાં ઠંડાં પીણાંની દુકાન ચાલુ રાખનારા વેપારીને પકડી લેવાયો હતો. કંડલામાં ગુટખાની દુકાન ચાલુ રાખનારા યુવાનની અટક કરવામાં આવી હતી. ગાંધીધામના વોર્ડ-12માં મુખ્ય બજાર નજીક હેર પાર્લરની દુકાન ચાલુ રાખનારા શખ્સની ધરપકડ?કરવામાં આવી હતી. નવી સુંદરપુરી ચાર રસ્તા પાસે કારણ વગર એકઠા થયેલા ચાર શખ્સની અટક કરવામાં આવી હતી તેમજ અંજારના દુધઇમાં પાન-માવાની દુકાન ચાલુ રાખનારા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. દરમ્યાન માહિતી ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ ગઇકાલ સુધી કુલ 18 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને?રૂા. 58,900 જેટલી રકમનો દંડ?કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 64 જેટલા વ્યક્તિઓની ધરપકડ થઇ?છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 218 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer