કોરોના વાયરસના પગલે માધાપરની સોસાયટીમાં `પ્રવેશબંધી'' બાબતે મારામારી

ભુજ, તા. 29 : કોરોના વાયરસના ફેલાવાના ભયના પગલે માધાપરની એક સોસાયટીએ રહેવાસીઓ સિવાય અન્યો માટે પ્રવેશબંધી જાહેર કરી હતી. આ વચ્ચે આ જ સોસાયટીમાં રહેતી પૌત્રીનું હૃદયનું ઓપરેશન થયું હોવાથી તેના ખબરઅંતર પૂછવા આવેલા દાદા-કાકા સાથે ગેટ પર પ્રવેશ અંગે ઝઘડો થતાં માર મરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. દરમ્યાન આરોપીઓએ પણ વળતી ફરિયાદ નોંધાવી.માધાપરની કલાપૂર્ણમ સોસાયટીના પ્રવેશદ્વાર પાસે ગુરુવારે રાત્રે બનેલી આ ઘટનાની વિગત મુજબ જયેશ ચંપકલાલ મહેતા તેમની પત્ની અને નાના દીકરા સાથે તેમના મોટા દીકરા ઇશાનની પુત્રીના એકાદ માસ પૂર્વે હૃદયના થયેલા ઓપરેશન અંગે ખબર-અંતર પૂછવા કાર દ્વારા આવ્યા હતા ત્યારે સિક્યોરિટી ગાર્ડે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો, જે અંગે બોલાચાલી થતાં સિક્યોરિટી કેબિનમાંથી બહાર આવ્યા હતા.જેમાંના પોતાને નિવૃત્ત પોલીસકર્મી ગણાવતા કે. બી. પરમાર અને મહેન્દ્રસિંહ પરમાર આ પરિવારને માર માર્યાની પોલીસને અરજી આપતાં આ અંગે બી-ડિવિઝને આજે વિધિવત ગુનો દાખલ કર્યો છે. દરમ્યાન આરોપીઓએ પણ ધાક-ધમકી કરી હોવાની વળતી ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer