રાપર-ભચાઉ વિસ્તારમાં વધુ પગલાં લેવાની રજૂઆત

રાપર, તા. 29 : વાગડના રાપર અને ભચાઉ તાલુકામાં કોરોના વાયરસ વધુ પ્રસરે એ પહેલાં પગલાં ભરવા રાપર વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ માગણી કરી હતી. ધારાસભ્યે મુખ્યમંત્રી સહિતનાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કચ્છમાં પણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ત્યારે રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકા મથક સહિતના ગામડાઓ સહિતના વિસ્તારમાં રાજ્ય સહિત અન્ય જગ્યાએથી બહારના વિસ્તારથી લોકો આવ્યા છે, માટે આવા સમયે સાવચેતીના ભાગરૂપે સ્થાનિક મેડિકલ સ્ટોર સહિત સરકારી વહીવટી તંત્ર પાસે હાલમાં જરૂરિયાત મુજબનો પૂરતો માસ્ક તેમજ સેનિટાઈઝરનો જથ્થો ઉપલબ્ધ નથી, માટે માસ્ક તેમજ સેનિટાઈઝરનો પૂરતો જથ્થો મળે તેવી સુચારુ વ્યવસ્થા કરવી જોઈએ. તાત્કાલિક ધોરણે ટેસ્ટ અંગેની વ્યવસ્થા કરવી ખૂબ જ આવશ્યક છે. હાલના સમયની સ્થાનિકે કોઈ જવાબદારી લેતા નથી. સરપંચ સહિત અન્ય લોકો ટેલિફોનિક જાણ કરે તો પણ કાર્યવાહી થતી ન હોવાનું ધ્યાને આવ્યું છે તેવું જણાવ્યું હતું. માટે આ વાયરસ વધુ પડતો વાગડમાં પ્રસરિત થાય તે પહેલાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેમજ પૂર્વ કચ્છના પોલીસ વિભાગના વડા પરીક્ષિતાબેન રાઠોડને રજૂઆત કરતાં ગામડાઓમાં પેટ્રોલિંગ ચુસ્ત બનાવવા અનુરોધ કર્યો હતો. કલેક્ટરને લખેલા અલગ પત્રમાં રાપર વિસ્તારમાં આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવા તથા માસ્ક તેમજ સેનિટાઈઝરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માગણી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer