કોરોનાને પગલે વેરા આકારણીની અંતિમ અવધિ લંબાવવા માગણી

ગાંધીધામ, તા. 29 : કોરોના વાયરસની મહામારી અટકાવવા અર્થે કચ્છ જિલ્લાને લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં વર્ષ 2015-16 વર્ષ માટેની  આકારણીની સંબંધિત  આખરી મુદત તા.31/3થી વધારવા અંગે ગાંધીધામ સેલ્સ ટેક્સ બાર એસોસિએઁશને (જીએસબીએ) રાજય વેરા કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.જી.એસ.બી.એ.ના પ્રમુખ રસિકભાઈ મહેતા ઉપપ્રમુખ વિનોદભાઈ ટંડન અને મંત્રી  ભરતસિંહ જાડેજાએ રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે,  વર્ષ 2015-2016ના વર્ષ માટે આકારણીની છેલ્લી તારીખ તા.31/3/2020 મુકરર કરવામાં આવી છે. ગુજરાતમાં સંબંધિત વર્ષ માટે ઓનલાઈન જનરેટ થયેલા ટાસ્કવાળા વેપારીઓના કેસમાં રાજય વેરા આકારણી અધિકારીઓ તરફથી વેપારીઓ પાસેથી  વિગતો મંગાવવામાં આવી છે. આ કાર્યવાહી સાથે સંકળાયેલા  કરવેરા સલાહકારો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા અન્ય લાગતા વળગતા લોકોને  તંત્ર દ્વારા  ખૂટતી વિગતો  રજૂ કરવા નોટિસો પાઠવવા સાથે મોબાઈલ અને ઈમેલ મારફતે જાણ કરવામાં આવી હતી.ખૂટતી વિગતોના અભાવે એક તરફી આકારણી  કરવાની નોટિસો પણ અપાઈ છે.  કોરોના વાયરસના  સંક્રમણના ભયની પરિસ્થિતિને કારણે  આકારણી  સંબંધિત વિગતો મેળવવામાં  મુશ્કેલી પડી રહી છે.  ખાસ કરીને  કંડલા કોમ્પ્લેક્ષ અને મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં કાર્યરત ઔદ્યોગિક એકમોની વડી કચેરીઓ રાજયની બહાર આવેલી છે. તેના ઓથોરાઈઝ વ્યક્તિ પણ રાજયની બહાર રહે છે. જેથી  વિગતો  પ્રાપ્ત કરવામાં  હાલાકી પડી રહી છે. આકારણી સંબંધિત  મુકરર  અંતિમ તા. 31/3/2020ની અપાઈ છે . આ  અવધિમાં એક મહિનાનો વધારો કરવામાં આવે તેવી વ્યવસ્થા  ગોઠવવામાં આવે તો એકતરફી આકારણીના કારણે ઉપસ્થિત થનાર બિનજરૂરી માંગણાની સ્થિતિ ટાળી શકાશે તેવું  પત્રમાં ઉમેર્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer