લીલાશાહ કુટિયાના કવોરેન્ટાઈન સેન્ટરમાં સુવિધાની તંત્રની સમીક્ષા

ગાંધીધામ, તા. 29 : કોરોના વાયરસ સામે જંગ લડવા માટે તંત્રે તાળાબંધી સહિતના મક્કમતાભર્યાં પગલાં લીધાં છે. દરમ્યાન કવોરેન્ટાઈન સેન્ટરમાં સુવિધા અભાવની ફરિયાદોને પગલે અંજાર પ્રાંત અધિકારીએ સેન્ટરની મુલાકાત  લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અંજાર પ્રાંત અધિકારી  ડો. વી.કે. જોષીએ   લીલાશાહ  કુટિયામાં આવેલ કવોરેન્ટાઈન સેન્ટરની સ્થળ મુલાકાત લઈને જરૂરી  વ્યવસ્થાની  સમીક્ષા કરી હતી. સેન્ટરમાં હાલમાં  21 નાગરિકોને કવોરેન્ટાઈન  રાખવામાં આવ્યા છે અને તમામને વ્યકિતગત અલાયદા રૂમમાં રાખીને  આરોગ્યતંત્ર દ્વારા દૈનિક  તેને તપાસવામાં આવી રહયા છે. તંત્રની અપીલને પગલે  સેન્ટરમાં રહેલા લોકો માટે  આશપુર સ્વૈચ્છિક મંડળ દ્વારા  નાસ્તો તથા બે ટાઈમના ભોજનની  સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ગાંધીધામના ટી.ડી.ઓ. રમેશભાઈ વ્યાસ કેન્દ્રની કાળજી રાખી રહ્યા છે.   સેન્ટરમાં રહેલા દરેકનું આરોગ્ય સારું છે. 14 દિવસનો સમયગાળો પૂર્ણ   કરનાર  સ્વસ્થ લોકોને  અહીંથી રજા આપવામાં આવશે. ગાંધીધામ અને અંજારમાં   કવોરેન્ટાઈન સેન્ટર ઊભા કરવામાં  આવ્યા છે તેમજ બંને તાલુકામાં 140 લોકોને હોમ કવોરેન્ટાઈન   કરાયા છે. જેનું સ્વાસ્થ્ય  તપાસવામાં આવે છે તેવું જાણકારોએ  જણાવ્યું છે. નોંધપાત્ર છે કે  લીલાશાહ કુટિયામાં ઊભા કરાયેલા કવોરેન્ટાઈન સેન્ટરમાં સુવિધાનો અભાવ  અને  અત્રે રહેલા લોકોને હાલાકી ભોગવવી પડતી  હોવાના મુદ્દે કચ્છમિત્રમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલને  પગલે  તંત્રે જરૂરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer