ગાંધીધામ સંકુલમાં ડોર ટુ ડોર શાકભાજી મળશે

ગાંધીધામ, તા. 29 : લોકડાઉનનાં પગલે અહીંની પાલિકા દ્વારા શાકભાજીવાળાઓ માટે ચાર અલાયદી જગ્યાની વ્યવસ્થા કરાઈ છે. તેમ છતાં આવતીકાલથી આ સંકુલના તમામ?13 વોર્ડમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર શાકભાજી, ફ્રૂટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના ગણેશનગર, સેક્ટર-પાંચ, મામલતદાર કચેરી પાછળ તથા સોનલધામ મંદિર પાછળ પાલિકાના પ્લોટમાં શાકભાજીવાળાઓ માટે પાલિકાએ વ્યવસ્થા ગોઠવી છે. અહીં બે રેંકડી વચ્ચે 6 ફૂટ તથા સામેની લાઈનથી 1પ ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે. પાલિકાની આવી કામગીરી જોઈને પ્રાંત અધિકારીએ કર્મચારીઓની પીઠ થાબડી હતી. આવામાં પાલિકાએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. અંજાર એ.પી.એમ.સી. સાથે મળીને અહીંની નગરપાલિકા આ કાર્ય કરશે. ગાંધીધામ-આદિપુરના તમામ 13 વોર્ડમાં આવતીકાલથી આ કામગીરી શરૂ કરવામાં આવશે. આ તમામ વોર્ડ માટે વાહનો રખાયાં છે. આ વાહનોમાં શાકભાજી, ફળફળાદિ નાખી તમામ સોસાયટીઓ, શેરીઓમાં આ વાહન ફરશે અને લોકોને દરવાજો ખોલીને બહાર ન આવવું પડે તે માટે ડોર-ટુ-ડોર શાકભાજી આપવામાં આવશે. પાલિકાના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી જથ્થાબંધના ભાવે આ શાકભાજી લઈ આવવામાં આવશે અને લોકોને જથ્થાબંધના ભાવે જ છૂટક સામાન આપવામાં આવશે. જેથી લોકોને ઘરબેઠા સસ્તાં શાકભાજી મળી શકશે. આજે અહીંના 6 વોર્ડમાં પ્રયોગ કરાયો હતો. જે સફળ રહેતાં આવતીકાલથી સવારે 7થી બપોરે 1 વાગ્યા દરમ્યાન આ વાહનો શેરીઓમાં ફરશે અને શાકભાજીનું વેચાણ કરશે. પાલિકાની આજની આ કામગીરીથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer