ડીપીટી પ્રશાસન દ્વારા સત્તાના દુરુપયોગનો સંગઠનનો આક્ષેપ

ગાંધીધામ, તા. 29 : આવશ્યક સેવાની શ્રેણીમાં આવતા દીનદયાળ મહાબંદરે આયાત-નિકાસની ગતિવિધિ બેરોકટોક ચાલી રહી છે પરંતુ કોરોના મહામારીએ ઉદ્ભવેલી સ્થિતિમાં પ્રશાસન દ્વારા સત્તાનો દુરુપયોગ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.) દ્વારા કરાયો છે.સંગઠનના મહામંત્રી મનોહર બેલાણીએ ડીપીટીના ઉપસંરક્ષકને  લેખિત રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ડીપીટીના ફલોટીલા સ્ટાફે કહ્યું છે કે, હાલના  કામના ભારણ વચ્ચે મહાબંદરે જરૂરી કર્મચારીઓ (કુશળ)ની નિયુક્તિ કરાતી નથી. લશ્કરની જગ્યાએ સેરનને મુરિંગનું કામ કરવાની ફરજ પડાઈ ચૂકી છે. આ બાબત તદ્દન અયોગ્ય અને સત્તાના દુરુપયોગ સમાન છે.ગઈકાલે જ્યારે સમગ્ર રાષ્ટ્ર લોકડાઉનમાં છે ત્યારે 15થી વધુ મૂવમેન્ટ કરાઈ હતી. (જહાજોને લાવવા-લઈ જવાની મૂવમેન્ટ) આવશ્યક સેવા જાળવી રાખવા જ્યારે મહાબંદરના કર્મચારીઓ-સ્ટાફ કામ માટે સહકાર આપી રહ્યા છે ત્યારે આ મૂવમેન્ટ માટે જે જરૂરી છે તેવા સ્ટાફની નિમણૂક થવી જ જોઈએ, તેવું પત્રમાં ઉમેરવામાં આવ્યું છે. શ્રી બેલાણીએ કામગીરી અવિરત જળવાઈ રહે તે માટે જરૂરી સ્ટાફની નિયુક્તિનો પ્રશાસનને આગ્રહ કર્યો છે. દરમ્યાન ઉપસંરક્ષકે તેના પ્રત્યુત્તરમાં એમ જણાવ્યું હતું કે,  કોરોના મહામારીના સંક્રમણને લઈને પ્રશાસન ચિંતિત છે અને એટલે બંદર ઉપર વધુ સ્ટાફ ભેગો ન થાય તેનું ધ્યાન રખાય છે. દિવસ દરમ્યાન જ્યારે સ્ટાફ હોય ત્યારે જ મૂવમેન્ટ વધુ કરાય છે રાત્રે મૂવમેન્ટ ઘટાડી દેવાય છે.  ઉપસંરક્ષકે આ પરિસ્થિતિમાં કામદારો-સ્ટાફ પૂર્ણ સહકાર આપે અને મહામારી સામે લડવામાં ઉપયોગી બને તેવો અનુરોધ પણ કર્યો હતો.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer