કંડલા-ગાંધીધામ-આદિપુરમાં લોકડાઉન વચ્ચે કમોસમી છાંટાથી બેવડી માર

કંડલા-ગાંધીધામ-આદિપુરમાં લોકડાઉન વચ્ચે કમોસમી છાંટાથી બેવડી માર
ગાંધીધામ, તા. 25 : વૈશ્વિક એવા કોરોનાના કાળા કહેર વચ્ચે કંડલા, ગાંધીધામ સંકુલ માટે કમોસમી એવો વરસાદ પણ વેરી બન્યો હતો. કંડલા, ગાંધીધામ, ખારીરોહર, મીઠીરોહર, આદિપુરની આસપાની સોસાયટીઓમાં ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો કહેર વધી જતાં અને પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. આવામાં અન્ય વેપારીઓ સાથે મીઠાના નાના ધંધાર્થીઓ પણ પોતાના કારખાના ઉપર જઈ શકતા નથી. તેવામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટા  પડતાં લોકોની સમસ્યા બેવડાઈ છે. કંડલાના દીનદયાળ બંદર ઉપર હાલમાં અમુક જેટીઓ ઉપર મીઠું લોડ થઈ રહ્યું છે. તેવામાં વરસાદ પડતાં આ મીઠું પલળી ગયું હતું. તેમજ કારખાનાઓમાં રહેલું મીઠું (નમક) પણ પલળી ગયું હતૃં. આવામાં નાના કારખાનેદારોને બેવડી માર પડી હતી. ખારીરોહર, મીઠીરોહર, ગાંધીધામના અમુક વિસ્તાર, આદિપુરની આસપાસની અમુક સોસાયટીઓમાં પણ છાંટા પડયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer