શિયાળામાં જ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા : ઉનાળો કપરો જાય તેવી સેવાઇ રહેલી દહેશત

શિયાળામાં જ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા : ઉનાળો કપરો જાય તેવી સેવાઇ રહેલી દહેશત
આણંદપર (યક્ષ), તા. 23 : ગત વર્ષ સતત કચ્છમાં ચાર મહિના વરસાદ વરસ્યો હતો. લોકો પણ વિચારવા લાગ્યા હતા કે વરસાદ ક્યારે બંધ થશે. પણ વરસાદ તો ચાલુ જ રહ્યો હતો. દિવાળી પછી પણ વરસાદી માવઠાઓ ચાલુ રહ્યા હતા અને રીતસરના પાણી વહી નીકળ્યા હતા. આમ વરસાદ સારો પડવાથી લોકોને એમ થયું કે આ વર્ષ ઉનાળામાં પાણીની તકલીફ નહીં પડે. જળાશયોમાં પાણી નહીં ખૂટે, પશુધનને પાણી માટે વલખાં નહીં મારવા પડે અને પાણી પીવા માટે ગામના અવાડે નહીં આવવું પડે. પણ આ બધા સવાલો ઊંધા પડયા. પૂરા છ મહિનાની અંદર જળાશયોનાં તળ દેખાવા લાગ્યાં છે. શ્રાવણ માસથી વરસાદ શરૂ થયો હતો તે દિવાળી પછી કારતક મહિના સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી ગામડાઓની આસપાસ તેમજ વગડાઓમાં ડેમો નાના-નાના જળાશયો છલોછલ છલકાઈ ગયા હતા.નદી-નાળા તેમજ ડુંગર પરથી વહેતા ઝરણાઓ પણ શરૂ થઈ ગયા હતા. આવા ઝરણાઓ વરસો પછી લોકોએ જોયા હતા. તેમાં નાની પેઢીએ પહેલીવાર જોતાં ગેલમાં જોવા મળ્યા હતા. વગડામાં જયારે વરસાદ પડે અને કુદરતી દ્રશ્યો સાથે ધોધ વહી નીકળતા દ્રશ્યો આ વખતે વારંવાર જોવા મળ્યા હતા. આમ સચરાચર વરસાદ વરસ્યો છતાં પણ જળાશયોમાં શિયાળામાં જ પાણી સુકાવા લાગતાં આમ લોકો વિચારમાં પડી ગયા છે. શિયાળામાં જળાશયોમાં પાણી ખાલી થવા લાગતાં ઉનાળામાં પશુધન માટે પાણી માટે કપરા એંધાણ છે એવું લાગી રહ્યું છે. કચ્છમાં ગત વર્ષ પહેલાં સતત ચાર વર્ષ દુષ્કાળ જેવા ગયા હતા ત્યારે પશુઓને પાણી પીવા વગડામાંથી સીમમાં આવવું પડતું હતું. એવી જ રીતે ગત વર્ષ સારો વરસાદ છતાં પશુઓની ઉનાળામાં ગરમીના દિવસોમાં હાલત કફોડી થશે એવું જણાઈ રહ્યું છે. ગામના તળાવોમાં પાણી ફટાફટ સુકાવા લાગ્યાં છે. ઓગસ્ટમાં વરસાદની શરૂઆત થઈ હતી. જે ડિસેમ્બર માસની શરૂઆત સુધી વરસાદ ચાલુ હતો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ અઢી માસમાં જળાશયોમાં પાણી ચૂસાવા લાગ્યા એ એક અજીબ વાત છે આવું ક્યારે નથી જોયું કે બેથી અઢી માસમાંજળાશયોના પાણી સુકાવા લાગ્યાં. પાછી હમણાં ઠંડીની મોસમ હોવાં છતાં પાણી સુકાવા લાગે એ એક વિચારવા જેવું છે. આ બાબતે સરકારે આગોતરા આયોજન કરવા જોઈએ જેથી કરીને ઉનાળામાં પશુઓને પાણીની તકલીફ ના પડે. `પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ' નહીંતર અનેક સમસ્યાઓ ઊભી થશે. જયાં નર્મદાના પાણીની લાઈનો જતી હોય અને બાજુમાં નાના-મોટા જળાશયો જે ખાલી હોય એને ભરી દેવા જોઈએ જેથી  ખર્ચ ઓછો અને સગવડ પણ થઈ રહે અને પશુધન તરસ્યું પણ ના રહે તેવું સૂચન થઇ રહ્યું છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer