મહાજન પદ્ધતિ આપણી પરંપરા નહીં પણ સંસ્કૃતિ

મહાજન પદ્ધતિ આપણી પરંપરા નહીં પણ સંસ્કૃતિ
ભુજ, તા. 23 : ભૂકંપ અગાઉથી કચ્છમાં ચાલતી મહાજન પરંપરાની પ્રવૃત્તિમાં પારદર્શિતા, કરકસર અને છેવાડાના માનવી સુધી પહોંચવાની પ્રામાણિકતાના દર્શન થતા હતા એ રીતે હકીકતમાં મહાજન પદ્ધતિ એ પરંપરા નહીં પણ આપણી સંસ્કૃતિ છે એવું આજે ભુજ ખાતે વિજયરાજજી પુસ્તકાલયમાં યોજાયેલા `મળીએ નોખા માનવીને' એ વિષયે યોજાયેલા સંવાદમાં કચ્છના સર્જક લીલાધર ગડાએ જણાવ્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટ, ભોજાય સર્વોદય ટ્રસ્ટ, અભિયાન, કે.એમ.વી.એસ. જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા `અધા' તરીકે જાણીતા લીલાધરભાઇ ધરતીકંપ પછી કચ્છ-ગુજરાત ઉપરાંત બિહાર, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં અનેક પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે તેની વાતનો દોર સંભાળતાં જાણીતા સર્જક માવજી મહેશ્વરીએ લીલાધરભાઇને પ્રશ્નોત્તરી દ્વારા તેમની વાતો તેમના જ મુખે બખૂબી કહેવડાવી હતી.ચોથી જુલાઇ 1937માં જન્મેલા લીલાધરભાઇએ પોતાની જીવન સફરની વાત કરતાં કહ્યું કે, ગામડાંના માનવીનું દુ:ખ-દર્દ દૂર કરવા અને પરિવારની વ્યક્તિને નેત્ર ઓપરેશનમાં થયેલા અનુભવ પછી સૌપ્રથમ નેત્રયજ્ઞથી પ્રવૃત્તિનો આરંભ કર્યો અને તેને વેગ આપવા બિદડા સર્વોદય ટ્રસ્ટની સ્થાપના 1973માં કરી.મુંબઈમાં એક નાટક શોમાં અનાયાસે ભજવેલા અધાના પાત્ર પછી એ ઉપનામ હવે તેમના નામનો પર્યાય બની ગયો છે. ત્યારે હવે તેઓ વાસ્તવ જિંદગીમાં પણ ભારોભાર અધા તરીકે જીવવામાં આનંદ અનુભવે છે. બિદડા સર્વોદય ટ્રસ્ટની પ્રવૃત્તિ સાથે ભોજાય સર્વોદય ટ્રસ્ટની રચના તેમણે કઈ રીતે કરી તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, બિદડાની આરોગ્ય પ્રવૃત્તિ સાથે એવું અનુભવાયું કે, પશ્ચિમ કચ્છ જે અંતરિયાળ વિસ્તાર આરોગ્ય સેવાથી વંચિત રહી જતો હતો. આથી 1998માં ભોજાય સર્વોદય ટ્રસ્ટની રચના કરી હોસ્પિટલનું નિર્માણ કર્યું. ભૂકંપ પછી ટ્રસ્ટ દ્વારા બનાવાયેલા માત્ર પાંચ દિવસમાં પચાસ મકાનોના નિર્માણની પણ વાત કરી. એ પછી કચ્છમાં 70 ગામોમાં લોકોને પોતાની જાતે જ પોતાના મકાનો બાંધવા કઈ રીતે પ્રેરણા આપી મદદરૂપ બન્યા તેની પણ વિગતો આપી હતી. મંદબુદ્ધિના બાળકો માટે માનસ તથા માનસીની સ્થાપના અંગેના પ્રશ્નમાં તેમણે જણાવ્યું કે, ભૂકંપ પછી સરકાર દ્વારા અંધજન મંડળની વિકલાંગ બાળકોના સર્વેક્ષણની કામગીરી દરમ્યાન એવા પણ બાળકો જણાયા કે, જે મંદબુદ્ધિના હતા અને અન્ય વિકલાંગ બાળકો સાથે રહી શકે તેમ ન હતા. તેવા બાળકો માટે માનસ અને બાળકીઓ માટે માનસીની સ્થાપના કરી. સેવાભાવી સમાજસેવક ઉપરાંત એક સફળ સર્જક રહેલા અધાએ પોતાના સર્જન અંગેના પ્રશ્નમાં કહ્યું કે, `પગમેં ભમરી' કટારના લેખન સાથે આરંભાયેલી પ્રવૃત્તિ પણ સાથોસાથ ચાલી રહી છે, જેમાં અનુભવકથાઓ લખવાનો આનંદ આવે છે. મેધા પાટકર સાથેના પોતાના નજીકના સંબંધ અંગેના એક પ્રશ્નમાં તેમણે કહ્યું કે, મેધા પાટકર સાથે આરંભના સમયમાં જ વિસ્થાપિતોને કચ્છમાં સૌપ્રથમ પાણી મળે તો કચ્છમાં જ વસાવવાની શરત મૂકી સમાધાન માટે પ્રયાસો કરાયા હોત તો આજે ચિત્ર કંઈક જુદું હોત. એમના સાથેના સંવાદ પછી રસપ્રદ પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી, જેમાં યાજ્ઞવલ્ક્ય જોશી, ગૌતમ જોશી, મોહન જોબનપુત્રા વગેરેએ ભાગ લીધો હતો.આ અગાઉ સંસ્થાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર સંવાદનું સંચાલન જાણીતા સર્જક માવજી મહેશ્વરીએ કર્યું હતું. સમારંભનું સંચાલન મંત્રી નરેશ અંતાણીએ તથા આભારવિધિ સંજય ઠાકરે કરી હતી. સંસ્થાના ઉપપ્રમુખ પીયૂષભાઈ પટ્ટણી, કારોબારી સભ્યો દિનેશભાઈ મહેતા, રેશ્માબેન ઝવેરી, કરમશી પટેલ, અશોક માંડલિયા તથા ગ્રથપાલ વૈભવ ડુડિયાએ આયોજન સંભાળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer