ભુજ હાટમાં સ્વાદ રસિકોનો મેળો જામ્યો

ભુજ હાટમાં સ્વાદ રસિકોનો મેળો જામ્યો
ભુજ, તા. 23 : પાંચ હજાર વર્ષ જૂની પ્રાકૃતિક ખેતીની પરંપરાથી પકવેલા અનાજલોકો સુધી પહોંચે તેવા પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે લોકો પણ આવા પ્રાકૃતિક ખેતીના ખોળે પાકેલાં અનાજ ખરીદીને સ્વસ્થ જીવન જીવવાની જાગૃતિ કેળવે તેવી શીખ ભુજ હાટમાં યોજિત ત્રિદિવસીય `વીસરાતી વાનગીઓના મહોત્સવ'ના બીજા દિવસે રવિવારે અપાઇ હતી. આવતી કાલે સોમવારે છેલ્લો દિવસ હોવાથી રવિવાર જેમ જ ઊમટી પડવા લોકોને આયોજક સંસ્થાએ અપીલ કરી છે. મીડિયા પાર્ટનર `કચ્છમિત્ર' તેમજ રામકૃષ્ણ ટ્રસ્ટ તેમજ કચ્છમાં કિસાનોના હિત માટે સક્રિય નર્મી સંસ્થાના સહયોગથી યોજિત મહોત્સવમાં કૃષિ જગતના અવનવા ઉત્પાદનોએ આકર્ષણ જમાવ્યું છે. ગાય આધારિત ખેતીથી પકવેલી હળદરથી માંડી અને શરીરને શુદ્ધ, સ્વચ્છ રાખતા મોરીંગાના પાનના પાવડર જેવા ઉત્પાદનો વિશે જાણીને મુલાકાતીઓ પ્રભાવિત થયા હતા. મહોત્સવની મુલાકાતે આવેલા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય અને પ્રયોગશીલ કિસાન અગ્રણી વિઠ્ઠલભાઇ ભિમાણીએ આયોજનને બિરદાવતાં `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે આ મહોત્સવ પ્રાકૃતિક ખેતીથી પકવેલાં અનાજ લોકો સુધી પહોંચાડવાની પ્રેરક પહેલ છે. છેક મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાંથી ભુજ હાટમાં ઉત્પાદકો ખેડૂતોને ખેંચી લાવવાની જવાબદારી `કામધેનું ટ્રસ્ટે' નિભાવી છે ત્યારે તેનો લાભ લેવાની જવાબદારી લોકોની બને છે તેવું તેમણે કહ્યું હતું. જૂનાગઢ જિલ્લાના કેશોદથી આવેલા અર્જુનભાઇ મોહન પાઘધરે જણાવ્યું હતું કે મેં ગાયના છાણ, ગૌ મૂત્રના ખાતરનાં પોષણથી પકવેલી હળદરનું વાવેતર બે વીઘા જમીનમાં કર્યું છે. એક વીઘામાં 4800 કિલો હળદરનું ઉત્પાદન મેળવ્યું છે. રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત અર્જુનભાઇ કહે છે કે ખેડૂત ખુદ વેપારી બનશે ત્યારે જ બમણી આવકનું સ્વપ્ન સાકાર થશે.મુખ્ય આર્થિક સહયોગી રામકૃષ્ણ ટ્રસ્ટના સ્ટોલ પર વિવિધ બીમારીઓને જડમૂળમાંથી દૂર કરી શકે તેવા ગૌસંજીવની અર્ક, શરીર માટેની અકસીર ઔષધિઓ મુલાકાતીઓને ગમી ગઇ હતી. તો વાગડની ખાદીના એપીકલ ઇન્ડિયાના વિવિધ સૌંદર્ય પ્રસાધનોએ પણ આકર્ષણ ઊભું કર્યું છે. એ જ રીતે મહોત્સવને મહત્ત્વનું પીઠબળ પૂરું પાડનારા સર્વ સેવા સંઘના સ્ટોલ પર વેચાણ અને પ્રદર્શનમાં મુકાયેલા અમૃત રસાયણ, શરદી નસ્ય, અવિપતિક ચૂર્ણ, ધતુરપતદિ તેલ, ડાયાબિટીસ, બી.પી. અસ્થમાં, કફ, ટી.બી., શરીરના સાંધાના દુ:ખાવા વગેરે માટેની ઔષધિઓએ આકર્ષણ જમાવ્યું છે. કોડકીના કિશોર કુંવરજી હીરાણીના સ્ટોલ પર સાબુદાણા જેમાંથી બને છે તે કંદમૂળ પણ સ્ટોલ પર મૂકવામાં આવ્યું છે જેનું નામ છે `મોગા', જેને અંગ્રેજીમાં `ટેપીઓકા'થી ઓળખાય છે. સાબુદાણાની ખીચડી, તેના વડા, ફરાળમાં સૌએ ખાધા છે પરંતુ સાબુદાણા શા માંથી બને છે તે આજે આ મહોત્સવમાં `મોગા'ના વિશાળ કંદમૂળે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતું. શહેરીજનો આજે બીજા દિવસે વીસરાઇ ગયેલી વાનગીઓનો સ્વાદ માણવા ઊમટી પડયા હતા. મહોત્સવનો સોમવારે છેલ્લો દિવસ છે તો વધુને વધુ લોકોને મહોત્સવનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer