વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગનું ભાવિકોમાં આકર્ષણ : અવિરત વધતો પ્રવાહ

વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગનું ભાવિકોમાં આકર્ષણ : અવિરત વધતો પ્રવાહ
ભુજ, તા. 23 : કચ્છમાં વિશ્વનું સૌથી ઊંચું સવા 35 ફૂટ, 30 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત રુદ્રાક્ષ મહાશિવલિંગ મહોત્સવ ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. દિવસે દિવસે ભાવિકોની સંખ્યા વધી રહી છે. ભુજમાં આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર અને રુદ્રાક્ષ મહાશિવલિંગ પરંપરાના સર્જક બટુકભાઇ વ્યાસે મહાશિવરાત્રિના ભગવાન મહાદેવનું પ્રાગટય સંગીતમય શૈલીમાં રજૂ કર્યું હતું. આજે કથામાં જગદંબાનું પ્રાગટય કરાયું હતું. મા જગદંબાનું પ્રાગટય હૃદયમાં થઇ?જાય તો આખાય બ્રહ્માંડની પરમપ્રાપ્તિ અવતરિત થઇ જાય છે.પુરાણોમાં કહેવાયું છે કે પરમતત્ત્વ (શિવ) અને પરમશક્તિ (શિવા) એકબીજાના અનુગામી છે. મા શક્તિની સર્વ પ્રાધાન્યતા હોવાને લીધે બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ સૃષ્ટિના કાર્યો માટે નિયત કરવામાં આવી છે.શિવમહાપુરાણ કથાના ચતુર્થ દિવસે મા સતી જગદંબાના પ્રાગટય પ્રસંગે શિવમય ભક્તો ભાવમય બન્યા હતા. ગુરુજીએ કથાપાન કરાવ્યું હતું. રુદ્રાક્ષ મહાશિવલિંગ મહોત્સવ સમિતિના મુખ્ય વ્યવસ્થાપક ઇશ્વરગિરિ ગોસ્વામીએ નોંધ્યું હતું કે, આ મહોત્સવ પવિત્ર લાગણી નિરૂપણ કરનારો બન્યો છે. મહોત્સવમાં અગ્રણીઓ પણ પોતાનો પૂરેપૂરો સમય કથામાં આપી રહ્યા છે. સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ,પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક ઇજનેર અમૃતભાઇ ગરવા, પાણી પુરવઠા વિભાગના કા.પા. ઇજનેર શ્રી શર્મા વગેરે આખી કથાનું શ્રવણ કરી રહ્યા છે. કચ્છ-ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી ભાવિકો ઊમટી રહ્યા છે. સમિતિના વ્યવસ્થાપક સભ્યો માવજીભાઇ ગુંસાઇ, નરેશભાઇ સોમૈયા, શૈલેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, દિનેશભાઇ ઠક્કર આયોજન-વ્યવસ્થા સંભાળી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer