ભુજના બાળકોએ હમીરસર કેચમેન્ટની મુલાકાત લઇ આવના ક્ષેત્રનો અભ્યાસ કર્યો

ભુજના બાળકોએ હમીરસર કેચમેન્ટની મુલાકાત લઇ આવના ક્ષેત્રનો અભ્યાસ કર્યો
ભુજ, તા. 23 : શહેર પાણી મુદ્દે સ્વાવલંબી બને અને એ સ્વાવલંબન પરાવલંબનમાં ના પરિણમે એવા આશય સાથે ભુજના બાળકો દ્વારા સંચાલિત એક `બાલ જલ સ્નેહ સ્રોત સંવર્ધન સિમતિ' (બાલ જે.એસ.એસ.એસ.)નું ગઠન કરવામાં આવ્યું છે. આ બાળકો ભુજના પાણી અને પર્યાવરણ માટે સક્રિય ભૂમિકા ભજવે એવા આશય સાથે હમીરસર તળાવના આવના ક્ષેત્રોના અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રવિવારે સિનેમા, હોટેલ્સ કે રિસોર્ટ્સમાં જવા બાળકો આતુર હોય છે, પરંતુ આજના રવિવારે શહેરની વિવિધ શાળાના 40 જેટલા બાળકોએ પાણીની પરિસ્થિતિની ચિંતા સાથે હમીરસર તળાવના આવક્ષેત્રોની જાતમુલાકાત લીધી હતી. બાલ જે.એસ.એસ.એસ.ના બાળસભ્યો વિવિધ રીતે પ્રવૃત્ત બને એ માટે ભુજમાં ચાલતા `હોમ્સ ઇન ધ સિટી' પ્રકલ્પમાં એક નાગિરક તરીકે સિટી ફેલો તરીકે જોડાયેલા અવનીશભાઇ રાણાએ આ મુલાકાતનું આયોજન કર્યું હતું. સૌ પ્રથમ જદુરા ગામથી ઉપરકોટ વિસ્તારમાંથી કેવી રીતે વરસાદી પાણીની આવક થાય છે, એ પાણી ધુનારાજા ડેમમાં એકત્ર થાય છે, ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે, હામદરાઇ તળાવની શું ભૂમિકા રહેલી છે તેમજ હમીરસર સુધી પાણી કેવી રીતે પહોંચે છે તેની વિસ્તૃત માહિતી બાળકોને પૂરી પાડવામાં આવી હતી. `એક્ટ' સંસ્થાના ગોપાલભાઇએ આ મુલાકાત દરમ્યાન ટેકનિકલ માહિતીથી બાળકોને વાકેફ કર્યા હતા. આ સાથે ભૂકંપ જેવી ઘટનાને કારણે ટપકેશ્વરી તરફના વિસ્તારમાં કેવા પ્રકારના બદલાવો આવ્યા છે તેની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તેમજ આ વિસ્તારમાં આવેલા થોર, કેરડા, દેશી બાવળ, લિયાર અને પીલુ જેવી વનસ્પતિઓ વિશે પણ બાળકોએ માહિતી મેળવી હતી. આ મુલાકાત બાદ અલ્પાહાર દરમ્યાન બાળકો સાથે મુલાકાત વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ ધ્યાનમાં રાખેલી વિવિધ બાબતો રજૂ કરી હતી. પરત ફરવા સાથે બાળકોએ બાલ જે.એસ.એસ.એસ. દ્વારા ભુજના નાગરિકોને પાણી અને પર્યાવરણ વિશે માહિતીનો પ્રસાર કરાશે એવી નેમ વ્યક્ત કરાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer