ભુજમાં 11.700 કિલો ગાંજા ઉપરાંત લાખોની રોકડ સાથે પિતા-પુત્ર ઝડપાયા

ભુજ, તા. 23 : આ શહેરમાં કેફીદ્રવ્ય ગાંજાના સેવન અને તેની વેચસાટની પ્રવૃત્તિ વ્યાપક બન્યાની અનેકવિધ ફરિયાદોને સમર્થન આપતી એક ઘટનામાં આજે પોલીસે ગાંજાના વેચાણનું એક મસમોટું કારસ્તાન ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ પ્રકરણમાં 11 કિલો 700 ગ્રામ ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે, તો તેમની પાસેથી લાખોની રોકડ રકમ પણ મળી આવતાં કિસ્સો ધારણા કરતાં ઘણો મોટો હોવાનો અહેસાસ થઇ રહ્યો છે.બહાર આવેલી વિગતો અનુસાર શહેરમાં ભીડનાકા બહાર ગીતા માર્કેટ વિસ્તારમાં અભાડો અબ્દુલ્લમામદ સુમરાના ઘર ઉપર સ્થાનિક બી. ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં અધાડા અને તેના પુત્ર હનિફની ધરપકડ કરવામાં આવી છે.  આરોપી પિતા-પુત્ર પાસેથી 11 કિલો અને 700  ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે, તો તેમની પાસેથી ઘરમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આ લખાય છે ત્યારે રાત્રે પોલીસ હજુ કબ્જે કરાયેલી રોકડ રકમની ગણતરી માટેની કાર્યવાહીમાં વ્યસ્ત જોવા મળી હતી.  આરોપી પિતા-પુત્ર જિલ્લા બહારથી ગાંજાનો જથ્થો મગાવી તેનું સ્થાનિકે છૂટક વેચાણ કરતા હોવાની વિગતો સપાટીએ આવી છે. તેમનું આ કેફીદ્રવ્યનું નેટવર્ક અત્યંત મોટું હોવાનો અહેસાસ પણ પોલીસને થવા લાગ્યો છે. જેને લઇને સમગ્ર પ્રકરણની અત્યંત સતર્કતા સાથે તલર્સ્પશી તપાસ સાથે પોલીસ આગળના પગલાં ભરીને કડીબદ્ધ વિગતો એકત્ર કરી રહી છે. આગળની છાનબીનમાં મહત્ત્વની કડીઓ સાથે સંડોવણી ધરાવનારા અન્ય માથાઓ પાધરા થવાનો નિર્દેશ પણ પોલીસસૂત્રોએ આપ્યો હતો.ભુજ બી. ડિવિઝનના ઇન્સ્પેકટર આર.એન.ખાંટ સાથે સ્ટાફના સભ્યો આ કાર્યવાહીમાં જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer