ભારત બેકફૂટ પર: કોહલી-પુજારા ફરી નિષ્ફળ

વેલિંગ્ટન, તા. 23 : ટીમ ઇન્ડિયાને ભીંસમાં લઇને ન્યૂઝીલેન્ડે પહેલી ટેસ્ટ પર મજબૂત પકડ જમાવી છે. મેચના હજુ બે દિવસ બાકી હોવાથી કિવીઝ ટીમ પાસે જીતની સારી તક બની રહેશે. ત્રીજા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયાએ તેના બીજા દાવમાં 144 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે હજુ ન્યૂઝીલેન્ડથી 39 રન પાછળ છે. આજની રમતના અંતે રહાણે (2પ) અને વિહારી (1પ) સુરક્ષિત ક્રિઝ પરથી પાછા ફર્યા હતા. આવતીકાલે મેચના ચોથા દિવસે ભારતનો બધો આધાર આ અણનમ જોડી પર નિર્ભર રહેશે. ભારતને આ બન્ને બેટસમેન પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. બીજા દાવમાં પણ સુકાની કોહલી અને ટેસ્ટ સ્ટાર પુજારા નિષ્ફળ રહ્યા હતા. જ્યારે મયંક અગ્રવાલે અર્ધસદી કરી હતી.આ પહેલા આજે કિવીઝ ટીમનો પહેલો દાવ પૂંછડિયા ખેલાડીઓની શાનદાર બેટિંગને લીધે 348 રને સમાપ્ત થયો હતો. ઇશાંત શર્માએ તેની કેરિયરમાં 11મી વખત પાંચ વિકેટની સિધ્ધિ નોંધાવી હતી. ગૃહ ટીમ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને 89, ગ્રેંડહોમે 43, નવમા ક્રમના જેમિસને 44 અને 11મા ક્રમના બોલ્ટે 38 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ભારત તરફથી ઇશાંતની પ વિકેટ ઉપરાંત અશ્વિને 3 વિકેટ લીધી હતી. બીજા દાવમાં ભારત બેટિંગમાં સારું પ્રદર્શન કરશે તેવી આશા હતી, મયંક અગ્રવાલ સિવાય બાકીના ભારતીય બેટધરો હિર ઝળકાવી શકયા ન હતા. પૃથ્વી ફરી સસ્તામાં 14 રનના અંગત સ્કોરે શોર્ટ પિચ બોલમાં કેચઆઉટ થયો હતો. આ પછી ચેતેશ્વર પુજારા 81 દડાનો સામનો કરીને સેટ થઇ ગયો હતો, પણ ચાના સમય પહેલાના આખરી બોલમાં તે ભૂલ કરી બેઠો હતો. બોલ્ટના સીધા બોલ પર તેણે લેફટ કર્યું હતું અને ક્લિન બોલ્ડ થયો હતો. તેણે 11 રન કર્યાં હતા. ચાના સમય બાદ મયંક 99 દડામાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાથી પ8 રન કરીને સાઉધીનો શિકાર બન્યો હતો. જ્યારે બોલ્ટે કિવી ટીમની રણનીતિમાં ફસાવીને ભારતીય સુકાની વિરાટ કોહલીને શોર્ટ પિચ બાઉન્સ પર વિકેટ પાછળ કેચઆઉટ કરાવ્યો હતો. કોહલી 43 દડામાં 19 રને પાછો ફર્યો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં તેનું નબળુ ફોર્મ ચાલુ રહ્યું હતું. રહાણે અને હનુમા વિહારીએ ત્રીજા દિવસના અંત સુધી કિવી બોલરોનો મક્કમતાથી સામનો કરીને પાંચમી વિકેટમાં 31 રન જોડયા હતા. રહાણે 67 દડામાં 2પ અને વિહારી 70 દડામાં 1પ રને નોટઆઉટ રહ્યા હતા. આથી ભારતના બીજા દાવમાં 4 વિકેટે 144 રન બન્યા હતા. કિવીઝ તરફથી આજે બોલ્ટે 3 વિકેટ લીધી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer