મહિલા ટીમનું લક્ષ્ય વિજયકૂચ

પર્થ, તા. 23 : વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા સામેની પ્રભાવશાળી જીત બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારત આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપમાં સોમવારે તેની બીજી ગ્રુપ મેચમાં બાંગાલદેશ સામે ટકરાશે. ત્યારે હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમનું લક્ષ્ય વિજય અભિયાન આગળ વધારવાનું રહેશે. મેચ ભારતીય સમય અનુસાર બપોર પછી 4-30 વાગ્યાથી થશે. સ્પિનર પૂનમ યાદવની ચમત્કારિક બોલિંગની મદદથી ભારતીય મહિલા ટીમે શુક્રવારે ટી-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રને હાર આપી મોટી જીત હાંસલ કરી હતી. જો કે, ઓસિ. જેવી મજૂબત ટીમને હાર આપ્યા બાદ હરમનપ્રિતની ટીમ બાંગલાદેશને હળવાશમાં લેવાની ભૂલ કરશે નહીં. ભારતીય ટીમને એ બરાબર યાદ છે કે આ ટીમ સામે 2018ના એશિયા કપમાં બે વખત હાર સહન કરવી પડી હતી. ભારતને જો બાંગલાદેશને હાર આપવી હશે અને ટૂર્નામેન્ટમાં લાંબી મજલ કાપવી હશે તો બેટિંગ સુધારવી પડશે. ઓસ્ટ્રેલિયા સામે ભારત બેટિંગમાં અપેક્ષિત દેખાવ કરી શકયું ન હતું. સ્ટાર સ્મૃતિ અને સુકાની હરમન નિષ્ફળ રહી હતી. ભારતીય મહિલા ટીમ 20 ઓવરમાં 132 રન જ કરી શકયું હતું. આ પછી બોલરોના બળે વિજય પ્રાપ્ત થયો હતો. ભારત જો આવતીકાલે જીત મેળવશે તો નોકઆઉટની નજીક પહોંચી જશે.પાછલી મેચમાં દીપ્તિ શર્માએ 46 દડામાં 49 રન અને શેફાલી વર્માએ 1પ દડામાં 29 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે પૂનમ યાદવે 4 અને શિખા પાંડેએ 3 વિકેટ લીધી હતી. પાછલી પ મેચમાં ભારતે 3 અને બાંગલાદેશે 2 મેચ જીતી છે. બાંગલાદેશની સુકાની સલમા ખાતુન સારી ઓલરાઉન્ડર છે. ફરગાના હકના નામે ટી-20માં સેન્ચૂરી બોલે છેઆવતીકાલે ભારત અને બાંગલાદેશની ટક્કર સિવાય ઓસ્ટ્રેલિયાનો સામનો શ્રીલંકા સામે થશે. ગઇકાલની મેચમાં ન્યૂઝીલેન્ડનો શ્રીલંકા સામે 7 વિકેટે વિજય થયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer