એફઆઇએચ પ્રો લીગ : ભારતનો ઓસિ. સામે શૂટઆઉટમાં રોચક વિજય

ભુવનેશ્વર, તા. 23 : ભારતીય હોકી ટીમે શાનદાર દેખાવ કરીને એફઆઈએચ પ્રો હોકી લીગની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શૂટઆઉટમાં 3-1થી રોમાંચક જીત મેળવી હતી. આ વિજયથી હવે બન્ને ટીમના આ સ્પર્ધામાં 6-6 મેચના અંતે 10-10 પોઇન્ટ થયા છે. ગોલ અંતરના લીધે ઓસિ. ત્રીજા અને ભારત ચોથા સ્થાને છે. પહેલી મેચમાં ઓસિ.નો 4-3થી વિજય થયો હતો. ગઇકાલે રમાયેલી આ મેચમાં નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 2-2 ગોલની બરાબરી પર રહી હતી. ભારત તરફથી રૂપિન્દર પાલ સિંઘે 2પમી અને હરમનપ્રિત સિંઘે 27 મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેંટ મિટને 23મી અને કેપ્ટન અરાન જાલેવસ્કીએ 46મી મિનિટે ગોલ કર્યા હતા. શૂટઆઉટમાં ભારત તરફથી હરમનપ્રીત, વિવેક સાગર અને લલિત ઉપાધ્યાયે ગોલ કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ફકત ડેનિયલ બિલે જ ગોલ કરી શકયો હતો. ભારતીય ગોલકીપર પી.આર. શ્રીજેશે શાનદાર દેખાવ કરીને ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer