ગ્રામીણ બેંક વિલીન તો થઈ, ચેક પરત ફરી રહ્યા છે

ભુજ, તા. 23 : કચ્છમાં સૌથી વધુ ગ્રામીણ બેંકીંગ નેટવર્ક ધરાવતી કચ્છ ગ્રામીણ બેંક હવે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું નવું નામ ધારણ તો કરી લીધું છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી બેંક ખાતેદારોને ઉભી થઈ છે. એક બાજુ બેંક ઓફ બરોડામાં જોડાણ તો થઈ ચૂક્યું છે પરંતુ ચેકબુક સહિતની સ્ટેશનરી હજુ સુધી નહીં આવતાં ખાતેદારોના ચેક પરત થઈ રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી. કચ્છની દેના બેંક અને તેની પેટા શાખા ગ્રામીણ બેંક હવે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક થઈ ગઈ છે, તેને એક વરસ થવા આવ્યું છતાં હજુ જાણે બરોડા બેંકે ખરા અર્થમાં સ્વીકાર ન કર્યો હોય તેવું જોવા મળે છે.પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કચ્છની 45 શાખાઓ સાથે પાંચ લાખ આ ગ્રામીણ બેંકના ખાતેદારો અન્ય બેંકમાં વિલીન થઈ ગયા છે ત્યારે ગ્રાહકોને આજ સુધી કોઈ પણ જાતનું માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. એક વખત આ ગ્રામીણ બેંક દેના-ગુજરાત ગ્રામીણ બેંક બની હતી ને થોડા સમયમાં ફરી નવો નિર્ણય લેવાતાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બની છે, પરંતુ મુશ્કેલી એ છે કે ગ્રાહકોને આપવામાં આવતી ચેકબુક સહિતની સવલતો હજુ એ જ જૂની હોવાથી ચેક પરત ફરવાના બનાવો રોજિંદા બન્યા છે. 1978માં ગુજરાતમાં પ્રથમ વખત ગામડાંની લોકપ્રિય બનેલી આ ગ્રામીણ બેંકના હવે જ્યારે અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે, ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ પણ બેંક ઉપરથી ઉઠી રહ્યો હોવાનું ખુદ ખાતેદારોએ જણાવ્યું હતું.દરેક બેંકોને ફાળવવામાં આવતા કેટલાક કોડ નંબરમાં આ બેંકના પણ કોડ નંબર બદલી ગયા છે, જે ખાતેદારોને જાણકારી નથી. ચેક ઈસ્યુ કર્યા પછી ચેક જ્યારે પરત ફરે છે ત્યારે જે તે બ્રાન્ચ અને ધારકો વચ્ચે મોટી તકરાર થાય છે.  બેંક સત્તાવાળા કહે છે કે, અમે તમામ બેંકોને નવા કોડની જાણકારી આપી છે, પરંતુ જે તે બેંકમાં આ ગ્રામીણ બેંકના ચેક જાય છે ત્યાં ચોખ્ખી ના પાડી દેવામાં આવતાં બેંક ઉપરનો વિશ્વાસ પણ ઉઠી રહ્યો છે.  ગ્રામીણ બેંકના અધિકારી પ્રદીપ જોષીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, હજુ નવી બરોડા બેંકની ચેકબુક આવી નથી, જે તે ગ્રાહક માગણી કરશે તો તેના નામવાળી ચેકબુક આવશે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જૂના ચેક વાપરવાની દરેક જગ્યાએ સૂચના છે.  પરંતુ જ્યાં ચેક પરત થાય છે, એ પૈકીની ભુજની યુનિયન બેંકના આસી. મેનેજર આયુશ પ્રણામીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, સાચી વાત છે. ગ્રામીણ બેંકના ચેક કોડ નંબર ન હોવાના કારણે પાસીંગ થતા નથી.  અમે ગ્રામીણ બેંકને આ અંગેની જાણ પણ કરી છે. આજે બે ચેક સ્વીકારવામાં આવ્યા નથી, ગઈ કાલે મંગળવારે પણ પાંચ ચેક લેવાનો કોમ્પ્યુટરે ઈન્કાર કર્યો છે. ક્લીયરીંગમાંથી પણ પાસ થતા નથી તેવું તેમણે જણાવ્યું હતું. બીજી બાજુ ગ્રામીણ બેંકના અધિકારી વિરાંગ ભટ્ટ કહે છે કે બ્રાન્ચ અને બેંક કોડ બદલી ગયા હોવાથી થોડા સમય માટે આવું થશે તેમ છતાં અમે હંગામી ચેકબુક તૈયાર કરાવી લીધી છે ને દરેક બ્રાન્ચમાં રવાના કરી રહ્યા છીએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer