મેઘપર બોરીચીમાં પ્રેમલગ્ન મામલે પિતરાઇ ભાઇ અને બહેન ઉપર યુવાન દ્વારા હુમલો

ગાંધીધામ, તા. 23 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી સોનલ નગરમાં પ્રેમલગ્ન મુદ્દે બે શખ્સે ભાઇ, બહેન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. બીજી બાજુ મીઠી રોહરમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઉપર ચાર શખ્સે હુમલો કર્યો હતો.ગળપાદરમાં રહેતા જગદીશપુરી નારાણપુરી ગોસ્વામી નામનો યુવાન ઘરે હતો ત્યારે તેને તેની ભાભી ભાવનાબેનનો ફોન આવ્યો હતો અને મને તકલીફ છે, મારા ઘરે આવો તેમ કહ્યું હતું. દરમ્યાન આ યુવાન પોતાની બહેન અમૃતાબેનને લઇને મેઘપર બોરીચી સોનલ નગરમાં ગયો હતો. જ્યાં ભાવનાબેને કહ્યું હતું કે તમારા ભાઇ તેજસે બીજા પ્રેમ લગ્ન કરી લીધા છે. જે અંગે જગદીશપુરી તેને કહેવા જતાં આ તેજસે પ્રથમ અમૃતાના હાથમાંથી મોબાઇલ પાડી દઇ રૂા. 7000નું નુકસાન કર્યું હતું તથા લાકડી વડે આ તેજસ તથા તેના પિતા શંકરપુરી ધ્યાનપુરી ગોસ્વામીએ હુમલો કરતાં આ ભાઇ-બહેનને ઇજાઓ પહોંચી હતી. કાકા અને ભાઇએ પોતાના કુટુંબી ભાઇ, બહેન ઉપર હુમલાના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મારામારીનો બીજો બનાવ મીઠી રોહરનાબોરીચાવાસમાં બન્યો હતો. ભારાપરમાં શામજી દાના બોરીચાએ બે ત્રણ છોકરીઓ ગઇ છે અને હજુ પણ જશે તેવી વાત કરતાં ફરિયાદી શામત મેઘા બોરીચા (આહીર)એ તેને ઠપકો આપતાં બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમ્યાન ગઇકાલે રાત્રે આ શામજી દાના બોરીચા, દેવા જેઠા બોરીચા, સુનીલ દેવા બોરીચા, રોહિત રવા બોરીચા ફરિયાદીના ઘરે મીઠી રોહર આવ્યા હતા અને આધેડ એવા ફરિયાદી શામતભાઇ, તેમના પત્ની લક્ષ્મીબેન તથા સાળા ગાંગા જીવા બોરીચાને માર મારી નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ  ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer