હાઈકોર્ટના હુકમનું પાલન ન કરતાં ભુજ સુધરાઈને દંડ

ભુજ, તા. 23 : મોંઘવારી ભથ્થું ન કાપવાના હુકમનું અનાદર કરતાં હાઈકોર્ટે ભુજ નગરપાલિકાને રૂા. 25000નો દંડ ફટકારી નિવૃત્ત કર્મચારીની કપાત થયેલી રકમ બે અઠવાડિયામાં ચૂકવી દેવા હુકમ કર્યો હતો. ભુજ સુધરાઈના નિવૃત્ત કર્મચારીના જે તે સમયે મોંઘવારી ભથ્થાંની રકમ પગારમાં ચડાવી અને એરિયર્સ સહિત ચૂકવણું કરાતું હતું. દરમિયાન આ મોંઘવારી ભથ્થું ભૂલથી અપાઈ ગયાનું ભુજ સુધરાઈએ જણાવી જનરલ બોર્ડના ઠરાવથી અને કર્મચારીઓ પાસેથી લેખિત સહમતી લઈ અને કાપવાનું શરૂ કર્યું હતું, જેને પગલે કર્મચારીએ હાઈકોર્ટમાં દાદ માગતાં પ્રથમ સ્ટે અને ત્યારબાદમાં આ રકમ ચૂકવી દેવા સુધરાઈને આદેશ કર્યો હતો. પરંતુ નગરપાલિકાએ તેનો અમલ કર્યા બાદ નિવૃત્તિ સમયે ફરી તમામ રકમ કાપી લેતાં નિવૃત્ત કર્મચારી દર્શક અંતાણીએ હાઈકોર્ટમાં દાદ માગતાં કાપેલી રકમ ચૂકવી દેવા સુધરાઈને આદેશ સાથે રૂા. 25 હજારનો દંડ ફટકાર્યો હતો.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 235 જેટલા કર્મચારીને મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારના પરિપત્રને આધીન સુધરાઈએ અમલવારી શરૂ કરી, પરંતુ થોડોસમય ભથ્થું કાયદેસર લીધું હોવા છતાં ભૂલથી અપાઈ ગયું હોવાનું જણાવી મોંઘવારી ભથ્થાંની રકમ કપાત કરવાની શરૂઆત કરી હતી, જેને પગલે કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચના પ્રમુખ અને કર્મચારી નેતા દર્શક અંતાણીએ ધારાશાત્રી શિવાંગભાઈ શાહ મારફતે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો, જેને પગલે હાઈકોર્ટે આ રકમ પરત કરી દેવા સુધરાઈને આદેશો કર્યા હતા. જે પરત પણ કરાઈ પરંતુ શ્રી અંતાણી નિવૃત્ત થતાં તેમના નિવૃત્તિના લાભોમાંથી નગરપાલિકાએ રકમ કાપી લીધી જેને પગલે શ્રી અંતાણીએ ફરી હાઈકોર્ટના દ્વાર ખટખટાવતાં હાઈકોર્ટે સુધરાઈને નોટિસ પાઠવી મુખ્ય અધિકારીને હાજર રહેવા જણાવ્યું હતું. ઉપરાંત પ્રા. કમિશનર રાજકોટ અને ગાંધીનગર નિયામક નગરપાલિકાઓને પણ નોટિસ પાઠવાઈ હતી. સુનવણી દરમ્યાન હાઈકોર્ટનો હુકમ છતાં રકમ કાપી લેવાના કોર્ટે નારાજગી વ્યક્ત કરી સુધરાઈને રૂા. 25,000નો દંડ ફટકાર્યો હતો. અરજદારને રૂા. 25000 બે અઠવાડિયામાં ચૂકવી દેવા ઉપરાંત જે રકમ કાપી લેવાઈ છે, તે પણ ચૂકવવા હુકમ કર્યો હોવાનું દર્શકભાઈએ યાદીમાં જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer