ભચાઉમાં બોલેરો હડફેટે કિશોરનું થયેલું મોત

ભચાઉ, તા. 23 : અહીંના રાજમાતા મંદિર નજીક રોડ ઉપર પગપાળા જતાં સલિમ સુલેમાન કુંભાર (ઉ.વ.15) બોલેરોની હડફેટે ચડતાં આ કિશોરનું મોત થયું હતું. ભચાઉના મદીનાનગર નર્સરી બાજુ રહેનાર સલિમ નામનો કિશોર આજે બપોરે રાજમાતા મંદિર પાસેના માર્ગ પરથી પગપાળા જઈ રહ્યો હતો. દરમ્યાન તેને અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, પાછળથી આવતી બોલેરો જીપ નંબર જીજે-12-એવી-4232એ આ કિશોરને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી   હતી. તેને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer