... તો કચ્છમાં નિક્રિય ટ્રસ્ટોની સંખ્યા પર આવે અંકુશ

ભુજ તા. 23 : સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ તો સેવાકીય ટ્રસ્ટોનો રીતસરનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ સર્જાઈને સામે આવી રહી છે. જિલ્લામાં જેટલાં ટ્રસ્ટો સત્તાવાર રીતે નોંધાયેલાં છે, તેમાં નિક્રિય ટ્રસ્ટોનું પ્રમાણ ઉલ્લેખનીય રીતે વધતું જતું દેખાઈ રહી છે. ત્યારે આ પછવાડે જે પરિબળો કામ કરી રહ્યાં છે તેનું જો યોગ્ય રીતે નિરાકરણ લાવી દેવામાં આવે તો આવાં નિક્રિય ટ્રસ્ટોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવી શકે તેમ હોવાનો મત આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કચ્છની વાત કરીએ તો અહીંની નાયબ ચેરિટી કમિશનર કચેરીમાં સત્તાવાર રીતે નોંધાયેલાં ટ્રસ્ટોની સંખ્યા 9000ને પાર થઈ ગઈ છે. સેવાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોની વાત માનીએ તો આ 9000માંથી લગભગ 60 ટકા ટ્રસ્ટો એવાં છે કે, જેની નોંધણી થયા બાદ એકલ દોકલ આયોજનને બાદ કરતાં તેની સક્રિયતા ભાગ્યે જ જોવા મળતી હોય છે. ખુદ આ કચેરીના જવાબદારોને આવાં નિક્રિય ટ્રસ્ટોની ફાઈલો સાચવી રાખવા માટે ભારે જહેમત આદરવી પડતી હોય છે. વિશાળ ભાગોલિક વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી નાયબ ચેરિટી કમિશનરની જગ્યા ખાલી પડી છે. ઈન્ચાર્જ અધિકારીના હવાલે વહીવટ હોવા સાથે બહુમાળી ભવનમાં આવેલી આ કચેરીમાં કોઈ અનુભવી સ્ટાફ ન હોતાં ટ્રસ્ટના જવાબદારોને યોગ્ય માર્ગદર્શન ન મળતું હોવાના કારણે આવા ટ્રસ્ટોની સંખ્યા ઘટવાના બદલે વધતી જતી જોવા મળી રહી છે. નોંધણી કરાવનાર ટ્રસ્ટો પૈકી કેટલાંક એવાં હોય છે કે, જેમના દ્વારા વર્ષમાં એક કે બે વાર કોઈ કાર્યક્રમ કરવામાં આવે છે. તેઓ જ્યારે ઓડિટ સહિતની કામગીરી કરાવવા માટે આવે તો ત્યારે તેમને જવાબદાર અધિકારી મળતા નથી અને અનુભવી સ્ટાફ ન હોવાના લીધે જોઈએ તેવું માર્ગદર્શન ન મળતાં તેઓ અહીં આવવાનું જ ટાળતા હોય છે.  જો કચ્છમાં વેળાસર કાયમી નાયબ ચેરિટી કમિશનર નીમી દેવામાં આવે તો ઘણીખરી સમસ્યાઓનો હલ આવે તેમ છે. વળી અધૂરાંમાં પૂરું  કચેરીનો મોટાભાગનો સ્ટાફ  આઉટસોર્સિંગથી જ નિમાયેલો હોવાના કારણે માહિતી માર્ગદર્શન મળતાં નથી ત્યારે અહીં અનુભવી કર્મચારીઓની નિમણૂક કરવી અતિ જરૂરી બની ગયાનો મત પણ જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer