ડીપીટીના કર્મચારીઓને કેશલેસ સારવાર મેળવવામાં મુશ્કેલી

ગાંધીધામ, તા. 23 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નવા નિયમ બાબતે વિભાગીય વડાઓના જક્કી વલણના  કારણે ડીપીટીને કેશલેસ સારવાર આપતી હોસ્પિટલોએ   કામગીરી બંધ કરી દેતાં પોર્ટના કર્મચારીઓને પડતી હાલાકી નિવારવા લેબર ટ્રસ્ટી દ્વારા પોર્ટના અધ્યક્ષને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. લેબર ટ્રસ્ટી  એમ.એલ. બેલાણીએ ચેરમેન એસ.કે. મેહતાને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે બેન્ક ગેરન્ટીના નવા નિયમના કારણે શેલ્બી, સ્ટર્લીંગ, સાલ, સીમ્સ જેવી જાણીતી હોસ્પિટલો ડીપીટી સાથે જોડાયેલી નથી. જેના કારણે સારવાર મેળવવામાં કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. આદિપુરની ડીવાઈન લાઈફ હોસ્પિટલ અને હરિઓમ હોસ્પિટલ પણ પોર્ટ સાથે સંકળાયેલી નથી. તેમજ ગાંધીધામની સ્ટર્લીંગ હોસ્પિટલ જે જોડાયેલી હતી. તેમણે પણ પ્રશાસન દ્વારા  કરાતી કનડગતના કારણે પોર્ટના કર્મચારીઓને કેશલેસ સારવાર આપવાનું બંધ કર્યું છે. લેબર ટ્રસ્ટીના નાતે આ અંગેનો પત્ર સ્ટર્લીંગ દ્વારા મેઈલ કરાયો છે. જો આ પરિસ્થિતિ કાયમી રહી તો પોર્ટના કર્મચારીઓ અને તેના સંબંધીઓને  તત્કાળ પરિસ્થિતિમાં સારવાર લેવામાં ભારે મુશ્કેલી વેઠવી પડશે. આ દિશામાં ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા અધ્યક્ષને અનુરોધ કરાયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer