પેન્શન કેસ સમયસર તૈયાર કરવાની કામગીરી પર ભાર

ભુજ, તા. 23 : ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ ગાંધીનગરના કચ્છ યુનિટના હોદ્દેદારોએ કર્મચારીઓને કનડતા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરી છે. તેમાં પેન્શન કેસ સમયસર તૈયાર થાય તે અંગેની કામગીરી કરવા પર ખાસ ભાર મુકાયો છે.મંડળની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર મંડળના હોદ્દેદારોને હળવી કામગીરી સોંપવી, મૂવમેન્ટ રજિસ્ટરમાંથી મુક્તિ આપવા તેમજ અંગ્રેજી વર્ષ દરમ્યાન દિન-10ની ખાસ પરચૂરણ રજા મંજૂર કરવાની સરકારની જોગવાઈઓ હોવા છતાં અમુક કચેરીઓમાં આ જોગવાઈઓની અમલવારી ન થતાં મંડળની કામગીરી પર અસર થાય છે. સાતમા પગારપંચ મુજબ જુલાઈ 2019થી ડિસેમ્બર 2019 સુધીના 5 ટકા મોંઘવારી ભથ્થાંની 6 માસની તફાવતની રકમ બાકી  હોઈ સરકાર દ્વારા એક હપ્તે રોકડમાં ચૂકવવા અથવા કર્મચારીઓના સામાન્ય ભવિષ્યનિધિમાં એક હપ્તેથી જમા કરાવવાના જરૂરી આદેશો તેમજ 7મા વેતનપંચ મુજબ મકાન ભાડાં તથા મેડિકલ ભથ્થાંમાં વધારો કરવા અને વયમર્યાદાના કારણે ટૂંક સમયમાં  નિવૃત્ત થનારા કર્મચારીઓના ઓનલાઈન સ્ટીકર સમય પર આવતા ન હોવાથી પેન્શન કેસ સમયસર તૈયાર થતો ન હોવાથી ગ્રેચ્યુઈટી, પેન્શન તથા અન્ય તમામ લાભો સમયસર મળતા ન હોવાથી વર્ગ- 4ના નાના કર્મચારીઓ પણ તકલીફ અનુભવી રહ્યા હોવાનું મંડળના પ્રમુખ મોહન કે. પૂજારા તથા મહામંત્રી હિતેશ બી. ગોરે યાદીમાં જણાવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer