વિથોણથી દેવપર સુધીના માત્ર ત્રણ કિ.મી.ના માર્ગમાં 23 ગાબડાંથી હાલાકી

વિથોણ (તા. નખત્રાણા), તા. 23 : ત્રણ કિ.મી.માં 23 ગાબડાં, વિથોણ-દેવપર માર્ગમાં થતાં ગાબડાંની ભરમાર સર્જાઈ છે.ખાડા પૂરવાની તંત્રને ફુરસદ નથી તેવી ફરિયાદ ઊઠી છે. સતત વાહનોથી ધમધમતો વિથોણ-દેવપર (યક્ષ) માર્ગની હાલત વરસાદ પછી બગડી ગઈ છે. ઠેકઠેકાણે ગાબડાં પડયા છે અને ડામરના પોપડા ઉખડી ગયા છે. બાઈક અને રિક્ષાવાળાઓ માટે આ માર્ગ માથાના દુ:ખાવા જેવો છે. નવાઈની વાત એ છે કે તંત્ર દ્વારા કોઈ જાતની મરામત પણ કરવામાં આવી નથી. માર્ગની વચ્ચે ગાબડા અને બન્ને બાજુએ ગાંડા બાવળના દબાણે માર્ગને બિહામણો બનાવી દીધો છે. વિથોણ પંથકના ગામો માટે આ માર્ગ ખૂબ જ ઉપયોગી છે. આ માર્ગથી વિથોણ અને દેવપર બન્ને ગામો વેપાર વ્યવહારથી જોડાયેલો છે. માર્ગ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ બે વર્ષ પહેલાં બનાવેલા માર્ગની હાલત ચોમાસા પછી ખૂબ જ  દયનીય બની ગઈ છે. અને માર્ગમાં પડેલા ખાડાઓને કારણે છાસવારે નાનો-મોટો અકસ્માત સર્જાય છે. આ માર્ગના ખાડા પૂરવા લોકોએ સંબંધિત તંત્રને અવગત કર્યા હોવા છતાં કોઈ થીગડાં દેવા પણ આવતું નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer