ગેરસમજ ફેલાવી વાતાવરણ દૂષિત કરવાની ભુજ સ્વામિ. મંદિરની ફરિયાદ

ભુજ, તા. 23 : અત્રેની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટના પ્રકરણ અનુસંધાને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્રેના ભુજ નુતન સ્વામિનારાયણ મંદિર અને તેના સંતો, વહીવટકર્તાઓ ઉપરાંત સેવકો વિશે ગેરસમજણ ફેલાવાયાની અને વાતાવરણને દૂષિત કરાયાની ફરિયાદ મંદિર દ્વારા પોલીસદળને અપાઇ હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર વતી ટ્રસ્ટીઓ દ્વારા અત્રેના એ. ડિવિઝન પોલીસ મથકને આ ફરિયાદ-અરજી આપવામાં આવી હતી. તો આ મામલે જિલ્લા પોલીસ અધીક્ષકને પણ લેખિતમાં વાકેફ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ સ્થિતિને ધ્યાને લઇને જવાબદારો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગણી કરાઇ હતી. ફરિયાદ અરજીમાં અપાયેલી વિગતો અનુસાર મંદિરના એક સંતના પ્રવચનની વર્ષો જૂની વીડિયો ક્લિપને માધ્યમ બનાવી તેના અમુક જ અંશો બતાવીને સંપ્રદાયને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરાઇ છે. આ સમગ્ર ઘટનાક્રમને કાવતરાં સાથે મૂલવી એવી પણ વિગતો અપાઇ હતી કે, પત્રો અને મેસેજો દ્વારા ખોટો ભ્રમ પણ ફેલાવાઇ રહ્યો છે. અરજી સાથે સંસ્થાના એક ટ્રસ્ટીને વોટ્સએપના માધ્યમથી મળેલો એક પત્ર પણ રજૂ કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer