સાંચોર પાસે અકસ્માતમાં ગાંધીધામના 4 જણનાં મોત

સાંચોર પાસે અકસ્માતમાં ગાંધીધામના 4 જણનાં મોત
ગાંધીધામ, તા. 20 : રાજસ્થાનના સાંચોર નજીક ગત રાત્રીના ચાર વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ રાજસ્થાનના અને ગાંધીધામમાં વસવાટ કરતા જૈન પરિવારના ચાર સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. અકસ્માતમાં એક જ પરિવારના ભગવાનચંદ્ર સાંકલેચા, કમલકિશોર સાંકલેચા, જ્ઞાનલતા દેવી સાંકલેચા અને યશ સાંકલેચાની  જીવનયાત્રા ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. આ બનાવના પગલે  ગાંધીધામ સંકુલમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.આ જીવલેણ  માર્ગ અકસ્માત અંગે મળતી વિગતો મુજબ  મૂળ ગાંધીધામમાં સુંદરમ ઈલેકિટ્રકલ્સ અને જય કૈલાસ ટ્રેડર્સ નામે પેઢી ધરાવતા સાંકલેચા પરિવારના ચારેય સભ્યો ગઈકાલે સાંજે ગાંધીધામથી પોતાના વતન પચપાદરા (રાજસ્થાન) જતા હતા. આ અરસામાં સાંચોર નજીક નેશનલ હાઈવે 68 ઉપર આ પરિવારને જીવલેણ અકસ્માત નડયો હતો. હતભાગી પરિવારના સભ્યો શિવરાત્રીના પર્વે વતનમાં ભગવાન મહાદેવના દર્શન કરવા માટે જતા હતા. રાત્રીના 10થી 10.30 વાગ્યાના અરસામાં ચાર વાહનો વચ્ચે ટક્કર થઈ ગઈ હતી જેમાં ગાંધીધામના પરિવારની કાર બે વાહનોની વચ્ચે દબાઈ  ગઈ હતી. કારનો બુકડો બોલી ગયો હતો.કારની હાલત જોતાં વાહનો વચ્ચેની  ટક્કર કેટલી તીવ્ર હશે તેની કલ્પના કરવાથી માત્ર કંપારી ફેલાવે છે.કારનો બુકડો બોલી ગયો હતો જેથી મૃતદેહ બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. ગાંધીધામમાં એક જ પરિવારનાચાર સભ્યો કાળના મુખમાં ધકેલાઈ જતાં પરિવારનો માળો વિખાઈ ગયો હતો. ગત રાત્રીના રાજસ્થાન ખાતે પોસ્ટમોર્ટમ કરાયા બાદ આજે બપોરે ચારેય હતભાગીના મૃતદેહ ગાંધીધામ ખાતે લવાયા હતા.   ગાંધીધામમાં રમત ગમત સંકુલની બાજુમાં આવેલાં નિવાસ સ્થાન ખાતે સાંજે  5.30 વાગ્યાના અરસામાં એક જ પરિવારના ચાર સભ્યોની અર્થી ઊઠી ત્યારે ભારે ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો. ગાંધીધામનો જૈન સમાજ હીબકે ચડયો હતો. કોણ કોને સાંત્વના આપે તેવી કરુણ પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્વ. ભગવાનચંદ્ર સાંકલેચા  ગાંધીધામના ફ્રેન્ડસ ગ્રુપના સુખરાજ સિંઘવીના બનેવી થાય છે. જયારે કમલકિશોર સાંકલેચા ગાંધીધામના જનતા આર્ટસ અને આધુનિકના જીતેન્દ્ર શેઠીયાના બનેવી થાય છે. શેઠીયા પરિવારે બહેન, બનેવી અને ભાણેજને આ જીવલેણ અકસ્માતમાં ગુમાવ્યા હતા.  સ્મશાન યાત્રામાં  ગાંધીધામ જૈન સમાજના લોકો તેમજ શહેરના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer