કચ્છી ગદર્ભને ત્રીજી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા

કચ્છી ગદર્ભને ત્રીજી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા
ભુજ તા. ર0: કચ્છના અફાટ રણમાં સેવાની ધૂણી ધખાવનાર કચ્છના કબીર એવા સંત મેકણ દાદાના બે માનીતા સંગાથી એટલે લાલીયો ગઘેડો અને મોતીયો કૂતરો. મેકણદાદા લાલિયા ગધેડાની પીઠે પાણી અને રોટલાની ઝોળી નાખીને કચ્છના ધોમધખતા નિર્જન રણમાં વટેમાર્ગુઓ માટે  સેવાની  મહેક જગાવી હતી. કચ્છમાં જોવા મળતા કચ્છી ગઘેડાની જાત વિશિષ્ટ અને અલગ હોવાથી રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઇ છે. સહજીવન સંસ્થા-ભુજ, પશુપાલન વિભાગ-ગાંધીનગર, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોને સફળતા મળી છે. યોગાનુયોગે મહાશિવરાત્રિ નિમિત્તે ધ્રંગ ખાતે દાદા મેકણનો મેળો યોજાઈ રહ્યો છે, તે જ દિવસે કચ્છી ગધેડાની રાષ્ટ્રીય માન્યતાના સમાચાર આવતાં સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કચ્છમાં કચ્છી ગધેડાની વસ્તી આશરે 3000 થી 4000 જેટલી છે. તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે ભારત સરકારની બ્રિડ રજિસ્ટ્રેશન કમીટીની બેઠકમાં કચ્છી ગધેડાની માન્યતાને મંજૂરી અપાઇ છે. ભારતમાં હિમાચલના સ્પીતી, જામનગરના હાલારી પછી કચ્છના કચ્છી ગધેડાને રજિસ્ટ્રેશન નંબર INDIA_DONKEY_0400_KACHCHHI_05003  સાથે દેશની ગધેડાની ત્રીજી ઓલાદ તરીકે માન્યતા આપવામાં આવી છે. ઉકત બેઠકમાં દેશની કુલ 13 નવી પશુ ઓલાદોને માન્યતા આપવામાં આવી છે, જેમાં કચ્છી ગધેડા સાથે નારી ગાય અને ડગરી ગાય એમ ગુજરાત રાજ્યની ત્રણ નવી પશુ ઓલાદોનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા હવેથી માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદોને ભારત સરકારના ગેઝેટ નોટીફીકેશનમાં પ્રસિધ્ધ કરાય છે. કચ્છી ગધેડાની માન્યતા થાય તે માટે સહજીવન સંસ્થા દ્વારા પાંચ વરસથી થતા પ્રયાસોમાં રાજ્ય મંત્રી વાસણભાઈ આહીર દ્વારા સતત માર્ગદર્શન અને રાજય સરકાર સાથે સંકલન તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર સરકાર સ્તરે જરૂરી તમામ પ્રયાસો કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, એક જમાનાના જાજરમાન પ્રાણી એવા કચ્છી ગધેડાની સંખ્યા હવે દિવસો દિવસ ઘટી રહી છે. એક સમયમાં કચ્છના કુંભાર અને માલધારી સમુદાય દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કચ્છી ગધેડાનો ઉછેર કરાવાતો.  દેશના અન્ય ગધેડાની ઓલાદોની સરખામણીમાં કચ્છી ગધેડો કેટલાક વિશિષ્ટ ગુણો ધરાવે છે. ઉનાળામાં પ0 ડિગ્રીથી પણ વધુ ધોમધખતા તાપમાં મીઠાના રણમાં ચાલી શકવું એ ખાસિયત ફકત કચ્છી ગધેડામાં છે. પીઠ ઉપર કિવન્ટલથી પણ વધુ વજન સાથે પહાડ ચડી જવું એ પણ એકમાત્ર કચ્છી ગધેડાની ખૂબી છે. પાવાગઢ, શેત્રુંજય, જુનાગઢ જેવા પહાડોની ઊંચાઈ પર માલ-સામાન ચડાવવા માટે કચ્છી ગધેડાનો જ ઉપયોગ થાય છે. કચ્છના માટીકામ કરતા કુંભાર કારીગરો, માટી અને તૈયાર માટલા ઉપાડવા માટે ગધેડાનો ઉપયોગ કરે છે, પચ્છમ, અબડાસા, લખપતના નાના ખેડૂતો પોતાની ખેતીમાં ખેડ અને આંતરખેડમાં કચ્છી ગધેડાનો ઉપયોગ કરતા જોવા મળે છે. બન્ની, ભુજ અને અન્ય વિસ્તારોમાં ગધેડા ગાડી દ્વારા લાકડા, માલસામાન માટે ખૂબ મોટા પાયે ઉપયોગ કરાય છે, ઉપરાંત વાગડના અમુક માલધારી લોકો પોતાના માલઢોર સાથે લાંબા અંતરના સ્થળાંતરમાં ઘરવખરીનો સામાન ઉપાડવા કચ્છી ગધેડાનો ઉપયોગ કરે છે.કોઈ પણ જાતના વધારાના ખોરાક અને ખર્ચ વગર, સાવ મફતમાં જ માણસને ઉપયોગી થતા કચ્છી ગધેડાઓ સૈકડો લોકોની જીવાદોરીનું સાધન હોવા છતાં સામાન્ય લોકો માટે તોહંમેશા ઉપેક્ષા અને તિરસ્કારને પાત્ર રહ્યા છે. કચ્છના કબીર મેકણદાદાએ તેમના માનીતા લાલિયા ગધેડાને માનવસેવાના કામે લગાડી ગધેડાની જાતને પણ આદર અને સન્માન આપ્યું હતું. કચ્છી ગધેડાની માન્યતા મળવાથી ગધેડા પાલકોને વિશેષલાભ થશે, ગધેડાની ઓલાદને સુરક્ષિત રાખવા અને બચાવવા માટે દાદા મેકણની જગ્યા ધ્રંગ ખાતે જ રાજ્ય સરકાર દ્વારા કચ્છી ગધેડા ઉછેર કેન્દ્ર બનાવવું જોઈએ, કચ્છના લોકોએ પણ આગળ આવવું જોઈએ, દર વરસે યોજાતા ધ્રંગના મેળામાં ગધેડાની હરીફાઈઓ અને વેચાણ માટેનો મેળો યોજવો જોઈએ. ખાસ કરીને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કચ્છી ગધેડાની ખૂબ ઊંચી માંગ છે.કચ્છી ગધેડા, માન્યતા માટેની પ્રોફાઈલ તૈયાર કરવા માટે સહજીવન ડો. શેરસિહ ચૌહાણ, નરેન્દ્ર નંદાણીયા, માલધારીઓ લાલમામદ હાલેપોત્રા(બન્ની), હુસેન કુંભાર (લોરીયા) મામદ કુંભાર (માનકુવા), હનીફ હિંગોરજા વિગેરે મહેનત કરી હતી. પ્રોફાઈલ બનાવવા માટે મુખ્યત્વે બન્ની પચ્છમ, ભુજ, અબડાસા, લખપત વિગેરે વિસ્તારોના ગર્દભ રાખતા પરિવારોનો સાથસહકાર લઈને આશરે 1000 જેટલા ગર્દભનો શારીરિક અને જનિનિક અભ્યાસ કરાવાયા હતા. જનિનિક (જીનેટીકલ-મોલીકયુલર)અભ્યાસ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાવાયો હતો.કચ્છી ગધેડાની માન્યતાની પ્રક્રિયામાં પશુપાલન વિભાગ-જિલ્લા પંચાયત કચ્છનો પણ ખૂબ સહયોગ રહ્યો હતો. કચ્છી ગધેડાની સંખ્યાને ઘટતી અટકાવવા, આ ઉપયોગી પ્રાણીની ખૂબીઓ બહાર લાવવા માટે તેમજ તેને સંરક્ષિત કરવા માટે કચ્છમાં ગધેડા સંવર્ધન ફાર્મ તેમજ ગધેડા ઉછેરકોને પ્રોત્સાહન માટે કચ્છનો સ્થાનિક પશુપાલન વિભાગ, રાજય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો અમલ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવું સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું છે.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer