આદિપુરની ચાર ઝવેરાત પેઢીઓમાં આયકર વિભાગની ટીમો ઊતરી

આદિપુરની ચાર ઝવેરાત પેઢીઓમાં આયકર વિભાગની ટીમો ઊતરી
ગાંધીધામ,તા 20 :માર્ચ એન્ડિંગ નજીક આવતાંની સાથે જ આજે આદિપુરમાં ચાર જવેરાત પેઢીઓ ઉપર ગાંધીધામ આવકવેરાની ટુકડી ત્રાટકી હતી. આ કાર્યવાહીના પગલે આદિપુરના વેપારીઓમાં ભારે ચકચાર પ્રસરી હતી.આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આજે બપોર બાદ ગાંધીધામ ઈન્કમટેક્ષ કચેરીની જુદી જુદી ચાર ટીમો દ્વારા ઝવેરાત પેઢીઓ ઉપર કાર્યવાહી કરાઈ છે. મદનસિંહ ચોકમાં આવેલી હેમ હીરા ગોલ્ડ પેલેસ,જૂના બસ સ્ટેશન પાસે આવેલી પાટડિયા જ્વેલર્સ, 80 બજારમાં આવેલી બુટભવાની જ્વેલર્સ અને અંબિકા જ્વેલર્સમાં આયકર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ  ટુકડી  દ્વારા જવેરાત પેઢીના તમામ દસ્તાવેજો, બિલિંગ સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. સર્વેની કાર્યવાહી  મોડે સુધી ચાલે તેમ હોવાથી બેનામી સંપત્તિ સહિતની વિગતો બહાર આવી નથી. સંભવત: મોટી રકમનું ડિસ્ક્લોઝર જાહેર કરાય તેવી શકયતા જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. માર્ચ એન્ડિંગ નજીક આવતાં જ  કરાયેલી કાર્યવાહીના પગલે હવે કયું ક્ષેત્ર આયકર વિભાગના રડારમાં આવશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે. આજની કાર્યવાહીની ચર્ચા ગાંધીધામ સંકુલમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ કાર્યવાહીના પગલે કરચોરી કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ પ્રસર્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer