નવોદિત ડોક્ટરો સામે વિશાળ તકો

નવોદિત ડોક્ટરો સામે વિશાળ તકો
ભુજ, તા. 20 : નવોદિત ડોક્ટરો સામે વિશાળ તકો છે ત્યારે તબીબી વ્યવસાયની ગંભીરતા તેમજ પવિત્રતાથી આમન્યા જાળવવાનું દરેકના શિરે દાયિત્વ આવી ગયું હોવાનું અદાણી મેડિકલ કોલેજના છઠ્ઠા ગ્રેજ્યુએટ દીક્ષાંત સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ડાયરેક્ટર વી. એસ. ગઢવીએ જણાવ્યું હતું. ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસના એમ.બી.બી.એસ. ડિગ્રી દીક્ષાંત સમારંભના મુખ્ય અતિથિવિશેષ કચ્છ યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. દર્શનાબેન ધોળકિયાએ કહ્યું કે, ડોક્ટરને સમાજ સૂક્ષ્મ નજરેથી જુએ છે, તેવા સંજોગોમાં પદ, પ્રતિષ્ઠા અને પૈસાને બાજુએ રાખીને પણ દર્દીઓની શુશ્રૂષા કરવાની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડોક્ટરે દર્દીના જીવન અને મૃત્યુ વચ્ચે લડવાનું હોવાથી કુદરતે આપેલા આ અવસરને નવી દિશા આપી વ્યવસાયને ગરિમા આપવાની જવાબદારી તબીબોની છે. આ પ્રસંગે હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિ. ડો. એન. એન. ભાદરકાએ નવતર તબીબોને માતા-પિતાની આકાંક્ષા પરિપૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. પ્રારંભમાં મેડિકલ કોલેજના ડીન ડો. ગુરદાસ ખીલનાનીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ભુજમાં 2010થી કાર્યરત ગેઇમ્સે અત્યાર સુધી 900 એમ.બી.બી.એસ. તબીબો સમાજને અર્પણ કર્યા છે. તેમણે કોલેજની વિગતોથી વાકેફ કરી નવા ડોક્ટરોને વ્યવસાયના શપથ લેવડાવ્યા હતા. ઓડિટોરિયમ ખાતે 2014ની બેચના 135 ગ્રેજ્યુએટને ડોક્ટરની ડિગ્રી અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલ સિવિલ જજ રસિકલાલ દમનાની, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ, જુદા જુદા વિભાગના વડા, તબીબો તેમજ ડિગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓના માતા-પિતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવોદિત ડો. અદિતીબા જાડેજા, ડો. મૌલિક પટેલ, ડો. ક્રિષ્ના દેસાઇએ પ્રતિભાવો આપ્યા હતા. બીજીતરફ ઇન્ટર્નશિપ દરમ્યાન તબીબો ડો. ભારત શેડવા, ડો. યશરાજ મજમુદાર અને ડો. નેહા બલ્વાનું સન્માન કરાયું હતું તેમજ 2016ની બેચના પોસ્ટ ગ્રેજ્યુએટને પણ બિરદાવાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer