વેલિંગ્ટનમાં આજથી પ્રથમ ટેસ્ટ : વિરાટ સેનાની કસોટી

વેલિંગ્ટન, તા. 20 : દેશ-વિદેશમાં વિજય પતાકા લહેરાવનાર ટીમ ઇન્ડિયા આવતીકાલ શુક્રવારે અહીંના બેસિન રિઝર્વની ઝડપી વિકેટ પર પહેલી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે તેની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો અત્યાર સુધીનો સૌથી કઠિન પડકાર હશે. વિરાટ કોહલીની ટીમ હાલ 360 પોઇન્ટ સાથે ટોચ પર છે. કાગળ પર તેનું પલડું ભારે છે. બીજી તરફ કેન વિલિયમ્સનની ટીમ સંયમની પૂંજી છે. જે ઘરઆંગણે ખતરનાક સાબિત થતી આવી છે. ન્યૂઝીલેન્ડે છેલ્લે 2017માં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. એ પછીથી અહીં 10માંથી પ ટેસ્ટ જીતી છે. જો કે કિવી ટીમ પાછલી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના હાથે 0-3થી ખરાબ રીતે હારી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પૂરી કિવી ટીમ તમામ મોરચે નિષ્ફળ રહી હતી. ભારતીય દાવનો પ્રારંભ મયંક અગ્રવાલ સાથે પૃથ્વી શો કરશે તેવા રિપોર્ટ છે. સુકાની વિરાટ કોહલી ટોસ જીતવાની સ્થિતિમાં પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. જેથી બુમરાહ, ઇશાંત અને શમી પિચમાંથી શરૂઆતમાં મળતી મદદનો લાભ લઇ શકે. સ્પિનર તરીકે ભારત આર. અશ્વિનને ઉતારી શકે છે. તેની પાસે રવીન્દ્રથી વધુ વિવિધતા છે.બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ચાર ઝડપી બોલર અને એક ઓલરાઉન્ડર સાથે ઉતરશે. ભારતીય મીડલ ઓર્ડર બેટસમેનો માટે રાહતના સમાચાર છે. કિવી બોલર નિલ વેગનાર તેના પહેલા બાળકના જન્મને લીધે બ્રેક પર છે. મેચનો પ્રારંભ શુક્રવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે 4-00 વાગ્યાથી થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer