વર્લ્ડકપમાં આજે ભારતની મહિલા ક્રિકેટરો મેદાને પડશે

સિડની, તા. 20 : પહેલીવાર આઇસીસી ટ્રોફી જીતવાના સપનું સાકાર કરવા ઉત્સાહિત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી-20 વિશ્વ કપના પ્રારંભિક મુકાબલામાં આવતીકાલ શુક્રવારે યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. ભારતીય મહિલા ટીમની નબળાઇ સાતત્યસભર પ્રદર્શન છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ત્રિકોણીય શ્રેણીમાં ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ-ઓસિ. વિરૂધ્ધ એક-એક મેચ જીત્યા અને એક-એક ગુમાવી હતી. બાદમાં ફાઇનલમાં પહોંચીને દબાણમાં હારી. હવે હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ દબાણને હડસેલીને પહેલીવાર આઇસીસી ટ્રોફી જીતવાના ઓરતા રાખે છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનો પ્રારંભ ભારતીય સમય અનુસાર બપોરે 1-30થી શરૂ થશે.આઇસીસી ટી-20 વર્લ્ડ કપ અત્યાર સુધી છ વખત રમાયો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ દબદબા સાથે ચાર વખત ચેમ્પિયન બની છે. આ વખતે પણ આ ટીમ ઘરઆંગણે ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ભારતીય બેટિંગનો આધાર અનુભવી સ્મૃતિ મંધાના અને સુકાની હરમનપ્રિત પર વધુ રહેશે. યુવા શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સ પાસેથી પણ ભારતને ઉમદા દેખાવની આશા રહેશે. બોલિંગમાં ભારતીય ટીમ સ્પિનરો પર નિર્ભર છે. સારા ઝડપી બોલર નથી. ભારતીય ટીમ : હરમનપ્રિત કૌર (સુકાની), તાનિયા ભાટિયા, હરલીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, રિયા ઘોષ, વેદા કૃષ્ણમૂર્તિ, સ્મૃતિ મંધાના, શિખા પાંડે, અરૂંધતિ રેડ્ડી, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વત્રાકર, શેફાલી શર્મા, પૂનમ યાદવ અને રાધા યાદવ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer