આદિપુરના પોશ વિસ્તારમાં પોલીસે રેઈડ કરી પણ નિલ : ભારે ચકચાર

ગાંધીધામ, તા. 20 : આદિપુરના પોશ ગણાતા એક વિસ્તારમાં રહેતા એક તબીબના ઘરે સ્થાનિક પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો. પરંતુ તેમાં કાંઇ ન નીકળતાં નિલ રેઇડનું પંચનામું કરવામાં આવ્યું હતું. અલબત્ત આ કાર્યવાહીથી સમગ્ર સંકુલમાં ભારે ચકચાર પ્રસરી હતી. આદિપુરના વિનય સિનેમા નજીક પોશ ગણાતા વિસ્તારમાં આજે બપોરે પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો. અહીં રહેતા એક જાણીતા તબીબના ઘરે વિદેશથી અમુક મહેમાન એકઠા થયા હતા. દરમ્યાન આ મકાનમાં જુગાર ખેલાતો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ આ મકાનમાં ગઇ હતી જ્યાં એ તબીબ, વિદેશથી આવેલા મહેમાનો તથા સ્થાનિકના અન્ય અગ્રણીઓ પણ જણાયા હતા. પરંતુ આ મકાનમાં પોલીસને કાંઇ જ ન મળતાં નિલ રેઇડ અંગેનું પંચનામું કરીને પોલીસ નીકળી ગઇ હતી. આ સંકુલના જાણીતા તબીબના ઘરે પોલીસની રેઇડ પડી હોવાનું જાણીને નામાંકિત વેપારી એવા અગ્રણીઓ પણ અહીં દોડી આવ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર સંકુલમાં ભારે ચકચાર પ્રસરી હતી. આ મકાનમાંથી કાંઇ જ ન નીકળ્યું હોવાનું પોલીસે કહ્યું હતું. અલબત્ત કલાકો સુધી પોલીસ અધિકારીઓના મોબાઇલ ફોન `િનલ' રેઇડ હોવા છતાં ગમે તે કારણે મૂંગામંતર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer