ટ્રાફિકજામના કારણે ગાંધીધામ લવાતા મૃતદેહો રઝળી પડયા

ગાંધીધામ, તા 20 : રાજથાનના સાંચોરમાં ગત રાત્રીના ચાર વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં  ગાંધીધામમાં વસવાટ કરતા રાજસ્થાનના જૈન સમાજના એક જ પરિવારના ચાર સભ્યો કાળનો કોળિયો બન્યા હતા.ગાંધીધામ ભચાઉ ધોરીમાર્ગ ઉપર આજે ફરી  ટ્રાફિક અવરોધાતાં આ  મૃતદેહો કલાકો સુધી રઝળ્યા હતા.તાજેતરમાં કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી પાસે પૂલના સમારકામના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થયો હતો. આજે પણ ભચાઉ નજીક ફરી રાબેતા મુજબ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી.  અકસ્માતનો ભોગ બનેલા ચારેય હતભાગીઓના મૃતદેહને આજે ગાંધીધામ લવાયા હતા, ત્યારે  એમ્બ્યુલન્સો પણ ટ્રાફિકમાં અટવાતા મૃતદેહો નિવાસસ્થાને પહોંચવામાં ઘણો વિલંબ થયો હતો.લાંબો સમય સુધી એમ્બ્યુલન્સનાં સાયરન વાગતાં રહ્યાં હતાં.  ટોલ નાકાના અધિકારીઓ અને સ્થાનિક  લોકોએ કલાકો સુધી મથામણ કર્યા બાદ એમ્બ્યુલન્સો  ટ્રાફિકમાંથી બહાર નીકળી શકી હતી. આ વિલંબના કારણે  લોકોમાં ભારે આક્રોશ પ્રવર્ત્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer