દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાં કલેક્ટરને સમાવવા જોઈએ

ગાંધીધામ, તા.20 : કેન્દ્રીય પ્રધાન મંડળે તમામ મહાબંદરગાહોને પોર્ટ ટ્રસ્ટમાંથી ઓથોરિટીમાં બદલવા પોર્ટ ટ્રસ્ટ ઓથોરિટી બિલ 2016ને બહાલી આપી દીધી છે. હવે તેને સંસદમાં મુકાશે. વર્ષોથી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડને ટ્રસ્ટીપદ અપાતું હતું પરંતુ નવાં પ્રસ્તાવિત ઓથોરિટીના બોર્ડમાં રાજ્ય સરકારના એક પ્રતિનિધિને સભ્યપદ આપવાનું સૂચવાયું છે. આથી હવે જો દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાં કચ્છ કલેક્ટરને સદસ્ય બનાવાય તો રાજ્ય અને કેન્દ્ર સરકારનું ખૂબ યોગ્ય સંકલન થઈ શકે તેવો મહત્ત્વનો વિચાર વહેતો થયો છે. હજુ ગઈકાલે જ અંજારમાં મળેલી 12 જુદા-જુદા વિભાગોની બેઠકમાં રાજ્ય સરકારની શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સેવાઓને જમીન આપવા બાબતમાં કલેક્ટરે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટને હકારાત્મક બનવા તાકીદ કરી હતી. ડીપીટી દ્વારા અત્યાર સુધી લેન્ડ પોલિસીનું બહાનું આગળ ધરીને પૂર્વ કચ્છ પોલીસ, આરોગ્ય, શિક્ષણ સહિતની રાજ્ય સરકારની અનેક સેવાઓ માટે જમીનો અપાઈ નથી. એટલે સુધી કે એસ.ટી. બસ સ્ટેશનની લીઝના પણ અધધધ નાણાં માગીને તે સ્થળના થનારા વિકાસમાં અવરોધ ઉભો કરાયો છે. બીજીબાજુ કેન્દ્ર સરકારની કચેરીઓ એમ.એન.ડી., લાઈટ હાઉસ, કસ્ટમ વગેરેને ડીપીટી બોર્ડ ઠરાવ કરીને મોટી મોટી જમીનો આપી છે. જમીન માલિક તરીકે શરૂઆતમાં પાણી, ગટર, રસ્તા સહિતની માળખાંકીય જવાબદારી તત્કાલીન કંડલા પોર્ટ ટ્રસ્ટની હતી. પાછળથી આ તમામ જવાબદારી નગરપાલિકાને સોંપી દેવાઈ. નગરપાલિકા પાસે જમીનો નહીં હોવાથી સેવાઓનો વિસ્તાર- વિકાસ તે કરી શકતી નથી. રાજ્ય સરકારની અનેક યોજનાઓ જે ગરીબ તથા મધ્યમવર્ગીય લોકો માટે કાર્યરત છે તેનો લાભ જમીનોની ઉપલબ્ધિને અભાવે ગાંધીધામ સંકુલને મળી શકતો નથી.ડીપીટીએ ટાઉનશિપમાં હજુ અનેક પ્લોટો વણવપરાયેલાં ખાનગી લોકોના હાથમાં પડયાં છે. જે નિયમ મુજબ પાછા લઈ શકે છે તે તમામને નોટિસો પાઠવી પ્રશાસન વર્ષોથી શાંત બેઠું છે. બીજીબાજુ રાજ્ય સરકારને જમીન આપવામાં ઠેંગો બતાવાઈ રહ્યો છે.આ તમામ હકીકતોને જોતાં ડી.પી.એ.ના સંભવિત બોર્ડમાં જો કલેક્ટરને સ્થાન મળે તો રાજ્ય-કેન્દ્ર વચ્ચે સંકલન વધુ સારી રીતે થઈ શકે. આમ પણ જી.એમ.બી.ના પ્રતિનિધિઓ મોટાભાગની ડીપીટી બોર્ડ બેઠકોમાં ગેરહાજર જણાયા છે તેવામાં કચ્છના રાજકીય પ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્યો એક થઈને કેન્દ્ર સરકારને જો રજૂઆત કરે તો કલેક્ટરને આ ડી.પી.એ.માં સ્થાન ચોક્કસ અપાવી શકે તેવું બુદ્ધિજીવીઓનું માનવું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer