ગાંધીધામની સાત મહિના જૂની તસ્કરીનો ભેદ ઉકેલાયો

ગાંધીધામ, તા. 20 : શહેરના ગુરુકુળ વિસ્તારના વોર્ડ-7બીમાં સાત મહિના અગાઉ થયેલી રૂા. 45,000ની ઘરફોડ ચોરીના બનાવમાં એલ.સી.બી.એ એક શખ્સની ધરપકડ કરી હતી. તેની પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કરાયો હતો.ગુરુકુળ વોર્ડ-7બી ટેનામેન્ટ નંબર 8ના પ્લોટ નંબર 64માં રહેતા રાજેશ મોહન પટેલનાં બંધ મકાનમાંથી ગત તા. 19-5-2019ના ચોરી થઇ હતી. તેમના મકાનમાંથી સોની કંપનીનું  એલ.ઇ.ડી., હોમ થિયેટર, ઇન્ડેકસ કંપનીનું એસેમ્બલ કરેલું સીપીયુ એમ કુલ રૂા. 45,000ની મતાની ચોરી થઇ હતી, જે અંગે આ આધેડે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.એલ.સી.બી.એ આ બનાવમાં ખીમા ઉર્ફે ખીમો ખોડા કોળી (રહે. સુંદરપુરી)ની ધરપકડ કરી હતી. આ શખ્સ સાથે છ મહિના અગાઉ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિનેશ લાખા જોગી તથા રાહુલ લક્ષ્મણ કોળી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખીમાએ ચોરીમાં ગયેલો મુદામાલ દિનેશના ઘરે સંતાડી રાખ્યો હતો. જ્યાંથી આ તમામ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને પકડાયેલા આરોપીને સ્થાનિક પોલીસના હવાલે કરાયો હતો. રાહુલ કોળીને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer