રાપર હેલિપેડથી કલ્યાણપર માર્ગનો જશ ખાટવા સ્થાનિક ભાજપનાં હવાતિયાં

ભુજ, તા. 20 : રાપરના ધારાસભ્યની એસ. આર. અંગેની અંગભૂત ગ્રાન્ટમાંથી રાપર હેલિપેડથી કલ્યાણપર સુધી 2 કિ.મી.ના માર્ગ માટે રૂા. બે કરોડ મંજૂર થયા બાદ હવે આ કામના ખાતમુહૂર્ત માટે ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા જશ ખાટવા ઉત્સાહ બતાવી આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીને ખાસ આમંત્રણ આપી ફરજિયાત હાજર રહેવા આગ્રહ કરાય છે તેવું ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ જણાવી કટાક્ષ સાથે ઉમેર્યું છે કે જેટલો રસ જશ ખાટવા માટે આગેવાનોએ દાખવ્યો છે તેટલો જો આ કામની મંજૂરી કે કાર્યવાહી માટે દાખવ્યો હોત તો આ માર્ગ વહેલો બની ગયો હોત.રાપર ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાએ આ કામ માટે તા. 8/10/2018થી સરકારમાં કરેલી વારંવાર રજૂઆતના અંતે તા. 19/ 9/2019ના ધારાસભ્યની ખાસ ભલામણ હેઠળની અંગભૂત ગ્રાન્ટ તળે મંજૂર કરવા નાયબ મુખ્યમંત્રીને ભલામણ કરી, જે સંદર્ભે તા. 9/10/ 2019ના માર્ગની કામગીરી અર્થે 200 લાખ (બે કરોડ) મંજૂર થયા હતા. મંજૂર થયેલી આ રકમને 3 માસથી પણ વધુ સમય વિત્યા છતાં કોઇ કાર્યવાહી ન થતાં તા. 10/1/2019ના ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી સહિત વિપક્ષી નેતાને પત્ર સાથે રૂબરૂ પણ રજૂઆત કરી હતી. હવે જ્યારે કામની કાર્યવાહી થઇ રહી છે ત્યારે આ રાપર ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા આ માર્ગ અંગે જશ ખાટવા હેતુસર પડાપડી થઇ રહી છે તેમજ રાપરના સ્થાનિક ધારાસભ્ય  સંતોકબેન આ માર્ગનું ખાતમુહૂર્ત ન કરી જાય તેવા હેતુસર આ સમગ્ર માર્ગનો સંપૂર્ણ લહાવો સ્થાનિક ભાજપના આગેવાનોને ફાળે લેવા માટે તેઓ દ્વારા છેક રાજ્યમંત્રીને ખાતમુહૂર્ત અર્થે આમંત્રણ અપાયું છે તેમજ ફરજિયાત હાજર રહેવા જણાવ્યું છે. આમ તેઓ પ્રજાને ભોળવી જણાવવા માગે છે કે આ માર્ગ અંગેની સમગ્ર કાર્યવાહી સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા જ થઇ છે, પરંતુ અહીંની પ્રજા ભોળી ન હોવાનું રાપર ધારાસભ્યે જણાવી કટાક્ષ સાથે કહ્યું છે કે, જેટલો રસ જશ ખાટવા માટે આ સ્થાનિક આગેવાનોને છે તેટલો જો કામ મંજૂર કરવા કે કાર્યવાહી માટે હોત તો કદાચ આજે આ રસ્તો તૈયાર થઇ ગયો હોત. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer