શનિવારે લઠેડી ગામે મડદ દાદાનો યાત્રા મહોત્સવ અને સંતવાણી

દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 20 : અબડાસા તાલુકાના લઠેડી ગામના સીમાડામાં મડદ દાદાના સ્થાનકે વાર્ષિક યાત્રા મહોત્સવ પ્રસંગે તા. 22-2, શનિવારે બપોરે શોભાયાત્રા, ધ્વજારોહણ, બારમતી ધર્મપંથ બાદ રાત્રે મહાપ્રસાદ, સન્માન-સત્કાર બાદ સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. મહેશ સંપ્રદાયના  પીર માતંગ નારાયણદેવ લાલણના આગમને સામૈયું નીકળશે. મહોત્સવ માણવા માટે કચ્છ અને બૃહદ કચ્છમાંથી ખાસ મુંબઇથી હજારો ભાવિકો ઊમટશે.શ્રી મડદ દાદા સેવા સમિતિના નેજા હેઠળ તા. 22-2ના યોજાનારા વાર્ષિક મહોત્સવના પ્રારંભે લઠેડીના કાનજીભાઇ ધુવાના નિવાસસ્થાનેથી શોભાયાત્રાનો પ્રારંભ કરાશે. ગામના પાદરેથી થઇ દાદાના સ્થાનક સુધી વાજતે-ગાજતે નીકળનારી શોભાયાત્રામાં સંતો, મહંતો, મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ, સામાજિક-રાજકીય આગેવાનો, દાદાના સંગીઓ, સેવાભાવિ કાર્યકરોની સાથે કચ્છ, ગુજરાત, મુંબઇ, મદ્રાસ, કોલકતાથી દર્શનાર્થે આવેલા હજારો ભાવિક ભાઇ-બહેનો જોડાશે. બારમતી પંથ બાદ  મહાઆરતી યોજાશે. દાતા રણશીભાઇ હરજીભાઇ બડિયા (લાયજા હાલે ડુમરા)ના સહયોગથી પીવાનાં પાણીની વ્યવસ્થા કરાઇ છે.  રાત્રે યોજાનારી સંતવાણીમાં ગુજરાતના નામાંકિત કલાકાર કીર્તિદાન ગઢવી અને ગીતાબેન રબારી ભજનાનંદીઓને મોજ કરાવશે. દાદાના સેવક વેલજીભાઇ ધુવાના નેજા હેઠળ સમિતિ નાં માર્ગદર્શનમાં સેવાભાવિ યુવાનો આયોજન અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer