કચ્છ યુનિ.માં કુલપતિને કલાકો સુધી બાનમાં લેવાયાં

કચ્છ યુનિ.માં કુલપતિને કલાકો સુધી બાનમાં લેવાયાં
ભુજ, તા.19 : રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખોના ચંચુપાત, વારંવાર દાદાગીરી, ગેરશિસ્તના બનાવોથી અભડાયેલી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં આજે પીએચ.ડી.ની પરીક્ષાની કાર્યવાહી રદ કરીને નવેસરથી લેવા સહિતની માગણીને લઈને કાર્યવાહક કુલપતિ તથા રજિસ્ટ્રારને દિવસ આખો ચેમ્બરમાં જ બાનમાં લેવાનો ગંભીર બનાવ બન્યો હતો. છાત્રો અને બહારી તત્ત્વોના આ વર્તાવથી નારાજ ડો. દર્શના ધોળકિયાએ એક તબક્કે રાજ્યપાલ?અને શિક્ષણમંત્રીને ફોન કરીને રાજીનામું આપવાની ઓફર કર્યાને પગલે ભુજના મામલે ગાંધીનગર ધમધમી ઉઠયું હતું. દોઢેક વર્ષ પહેલાં સેનેટની ચૂંટણીને લઈને વરિષ્ઠ પ્રાધ્યાપક પર કાળું પ્રવાહી ફેંકવાના ઘૃણાસ્પદ બનાવ પછી આંદોલનના નાના-મોટા બનાવ બન્યા હશે પણ આજે  એબીવીપીના કાર્યકરોનો વર્તાવ મર્યાદા વટાવી ગયો હોવાનું યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રાધ્યાપકોએ જણાવ્યું હતું. ડો. દર્શનાબેને `કચ્છમિત્ર' સાથે વાત કરતાં કહ્યંy કે, છાત્રોને અન્યાયની કોઈ વાત હોય તો સંગઠન રજૂઆત કરે એમાં વાંધો ન હોય પણ એ રજૂઆતની પદ્ધતિ હોય. યુનિવર્સિટી વી.સી.ની મરજી મુજબ નથી ચાલતી. એક્ઝિક્યુટીવ કાઉન્સિલ હોય,  નિયમો-ધારાધોરણ હોય એ પ્રમાણે બધું થાય. છાત્રો કે સંગઠનવાળા આદેશની ભાષાથી વાત કરે એ અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે, કોઈ નિષ્ઠાવાન અધ્યાપક કે વહીવટકર્તા આવા દબાણ વચ્ચે કામ ન કરી શકે એ લાગણીથી પોતે રાજીનામાની ઓફર કરી હતી. જો કે, ગવર્નર અને શિક્ષણમંત્રીએ એનો મૌખિક અસ્વીકાર કરીને કહ્યું હતું કે, સરકારે આ મામલો હાથમાં લીધો છે. છાત્રો કે સંગઠનની જોહુકમી કોઈ કાળે ચલાવી નહીં લેવાય. યુનિ.ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવાઈ. પ્રથમ તબક્કાનું પરિણામ આવી ગયા પછી બીજા તબક્કાની કસોટી પ્રક્રિયામાં છે. પરંતુ આજે છાત્ર સંગઠને આખી પરીક્ષા રદ કરવા માંગણી કરી હતી. સાથે પેપર કોણ કાઢે એનો દૂરાગ્રહ કર્યો હતો જે કોઈ રીતે સ્વીકાર્ય ન બને. જો કે આજનો આ આંદોલન પણ અગાઉ જેવો હોવોનો અને વધુ આક્રમક ન હોવાનો ખુલાસો વિદ્યાર્થી સંગઠનના યાદી આપવા આવેલા સભ્યોએ `કચ્છમિત્ર' સમક્ષ કર્યો હતો. બીજીતરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર-19માં લેવાયેલી પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા શંકાસ્પદ હતી. એ જ રીતે ફેબ્રુઆરી-2020ની બીજા પ્રયત્ન સ્વરૂપે લેવાયેલી પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ છે. કારણ કે, યુનિવર્સિટી પાસે તમામ સાધનો હોવા છતાં બહાર ઝેરોક્ષની દુકાનમાં પ્રશ્નપત્રોની ઝેરોક્ષ કરાવી તે ગેરરીતિ તરફ અંગુલિ નિર્દેશ કરે છે તેવો આક્ષેપ કરાયો છે. તેમ જ પ્રશ્નપત્રના ગુજરાતી વિષયના 100 માર્ક્સના તમામ પ્રશ્નોના જવાબ `એ' છે જે પણ શંકાસ્પદ છે. તેમ એક નિશ્ચિત ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી.ની ચેમ્બરમાં બે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નપત્રો ચકાસાય છે, તે પણ શંકાપ્રેરક હોવાનું યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત આ વિદ્યાર્થી સંગઠન છેલ્લા 3થી 4 મહિનાનો સમય વિતવા છતાં અનેક પરીક્ષાના પરિણામો આવ્યા નથી. જે અંગે પણ આંદોલન ચલાવી રહ્યું છે, તેમજ ફોર્મ ભરવાની રૂા. 5000 જેટલી લેઈટ ફી પણ અન્યાયકારી છે, તેવું યાદીમાં જણાવાયું છે. (જો કે લેઈટ ફી અંગે યુનિ.ના સૂત્રોએ કહ્યું કે નિયત સમયમાં ફી ભરવાની છાત્રોની ફરજ છે. તેમ છતાં છેલ્લા દિવસ સુધી ભરાતી નથી.) વિદ્યાર્થીઓને પજવતા પ્રશ્નોના જવાબ આપવા આંદોલનકારીઓએ આજે આગ્રહ કર્યો હતો અને કુલપતિની ચેમ્બર બહાર ઊભા રહી કહ્યું હતું કે, જ્યાં સુધી જવાબ નહીં મળે અમે અહીંથી ડગશું નહીં. બીજી તરફ આ સમગ્ર મામલે `કચ્છમિત્ર'એ આરએનડી સેલના મેમ્બરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રશ્નપત્રની ઝેરોક્ષ 22 ડીસે. પહેલાં કઢાવી હતી અને જે પ્રોફેસરોની હાજરીમાં કામ થયું હતું. પેપર લીક ન થાય તેની તકેદારીના તમામ પગલાં લેવાયા હતા. આ ઉપરાંત માસ્ટર ડિગ્રી લીધેલા વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર તપાસ્યા બાદ આ જ પેપર કો-ઓર્ડિનેટર પણ ચકાસે છે, તેવો ખુલાસો કર્યો હતો. પીએઁચ.ડી. થયેલા છાત્રોને ફેલોશિપ મળે છે જેને ધ્યાનમાં રાખીને પરીક્ષાના કાર્યક્રમો ગોઠવાયા છે. આ વચ્ચે પરીક્ષાઓ રદ્દ કરી ફરીથી પરીક્ષા લેવાની વિદ્યાર્થીઓની માંગણી ગેરવાજબી હોવાનું તેમણે જણાવી આ વિદ્યાર્થીઓના હિતમાં ન હોવાનું કહ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer