ગાંધીધામની સમસ્યા અંગે કલેક્ટરે કાઢી ઝાટકણી

ગાંધીધામની સમસ્યા અંગે કલેક્ટરે કાઢી ઝાટકણી
ગાંધીધામ, તા.19 : આ સંકુલમાં લોકોને સ્પર્શતી વિભિન્ન પ્રકારની સેવાઓ તથા છેલ્લા લાંબા સમયથી પડતર  પ્રશ્નો મુદ્દે આજે  અંજાર પ્રાંત કચેરી ખાતે 12 તંત્રોની એકસાથે બેઠક યોજાઈ હતી. જેમાં ડીપીટીના જમીન પ્રશ્નો સંદર્ભે  પ્રશાસનના અધિકારીઓએ લેન્ડ પોલિસીનું ગાણું ગાતાં જિલ્લા કલેકટરે હકારાત્મક  અભિગમ દાખવવાની ટકોર કરી ડીપીટીની રીતસરની ઝાટકણી કાઢી હતી.જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં  ગાંધીધામ  સિટી સર્વેની કચેરી કાર્યરત કરવા માટે સ્થળ પસંદગી અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. શહેરની જમીન સંદર્ભેના અગત્યના દસ્તાવેજો  ડીપીટી પાસે જ છે, ત્યારે લોકોની સવલત અર્થે ડીપીટી પ્રશાસનના  બિલ્ડિંગમાં રૂમો ફાળવી કચેરી  કાર્યરત કરવા ભાર મુકાયો હતો. ઉલ્લેખનીય છે કે 400 કવાર્ટરમાં આવેલા ડીપીટીના મકાનો સડી રહ્યા છે. ગંદકી ફેલાવે છે. તેનો પણ નિર્ણય લેવાતો નથી. ત્યારે આ જગ્યા સિટી સર્વેને આપવા તૈયારી બતાવાઈ હતી. અલબત્ત તંત્રે  ડીપીટી પ્રશાસનિક ભવનમાં જ જગ્યા ફાળવવા કહ્યું હતું.આંગણવાડી, હેલ્થ સેન્ટર, પ્રાથમિક શાળા જેવી પ્રજા ઉપયોગી સેવા શરૂ કરવા માટે ડીપીટી દ્વારા જમીન ફાળવવાની જગ્યાએ  રોડા નાખી  ચાલતું કામ  અટકાવી દેવામાં આવતું હોવા  સહિતના જુદા-જુદા જમીનના પ્રશ્નો અંગે ડીપીટીના અધિકારીઓએ  લેન્ડ પોલિસી આગળ  ધરી  હાથ ઊંચા કરતાં જિલ્લા સમાહર્તાએ ડીપીટીની સારી ઝાટકણી  કાઢી  જડતાભર્યું વલણ ત્યજી હકારાત્મક અભિગમ  રાખવા  જણાવ્યું હતું. જમીન પ્રશ્ને  વિભિન્ન તંત્રોની  સંયુકત દરખાસ્ત મૂકવા  નિર્ણય લેવાયો હતો. ધોરીમાર્ગ અને સર્વિસ રોડ  ઉપર ઊભા રહેતા વાહનો મુદ્દે  પરિવહનકાર સંગઠન સાથે બેઠક યોજી  યોગ્ય ઉકેલ લાવવા તાકીદ  કરાઈ હતી. આ નગરના જટિલ  ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા અંગે પોલીસવડાએ કહ્યું હતું કે  સિગ્નલ ચાલુ રાખવા તથા તેની  જાળવણીની જવાબદારી પાલિકાની છે. સિગ્નલની જાળવણી  માટે  પોલીસતંત્ર દ્વારા એજન્સી પણ શોધી આપી હોવાનું  કહેવાયું હતું. જેની સામે  પાલિકાના મુખ્ય અધિકારીએ  કોઈ નગરપાલિકા  આ કામગીરી કરતી નથી તથા તેઓની જવાબદારી  ન   હોવાનું કહ્યું હતું. અંતમાં  પાલિકાને  આ કાર્ય  કરવા સૂચના અપાઈ હતી. આ વેળાએ  સિગ્નલ બંધ હોવાના  કારણે  ઈ-મેમોની કામગીરીમાં મુશ્કેલી ઊભી થતી હોવાની રાવ પણ પોલીસતંત્ર દ્વારા કરાઈ હતી.રેલવે સ્ટેશનના દ્વાર પાસે થયેલા  અતિક્રમણ મુદ્દે રેલતંત્ર પાસે  ટોકનચાર્જ જમીન લઈ અત્રે પાર્કિંગ ઝોન વિકસાવવા  સુધરાઈને  સૂચના અપાઈ હતી . આ સ્થળે દબાણો દૂર કરી  સ્ટેશનના દરવાજા પાસે  નો- પાર્કિંગ ઝોન   બનાવી એલ.એન.ટી.ને  પુલની નીચેની જગ્યાએ ફેન્સિંગ સાથે બગીચો વિકસાવા ઠરાવાયું હતું.  જુદા-જુદા 12 તંત્રોની સાથે મળેલી બેઠકમાં ટાગોર  રોડના વિકલ્પે અન્ય મોટા માર્ગોના વિકાસ  સંદર્ભે  જેમાં ડીપીટીના માસ્ટર પ્લાન તથા જી.ડી.એ.ના  પ્લાનમાં  દર્શાવેલા  માર્ગનો  વિકાસ કરવા ચર્ચાયા હતા. દરમ્યાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કંડલા ઝોન  તરફ  લોકો  માટે  ઈફકો અને ડીપીટી મેદાનની દીવાલ પાસેથી જતા  માર્ગનો વિકાસ કરવા સૂચન કર્યું હતું. રોટરી સર્કલ પાસે કંડલા તરફના સૂચિત માર્ગ ઉપર  વૃક્ષો વાવણીની મંજૂરી કેવી રીતે અપાઈ  તે પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. ગાંધીધામ નગરપાલિકાના  ફાળવાયેલા ડીપીટી અને એસ.આર.સી.  હસ્તકના પ્લોટોનો જાહેર હેતુ જેમ કે ગાર્ડન, પાર્કિંગ હેતુ માટે હેતુફેર કરવા મંજૂરી, નેશનલ હાઈવે તથા સર્વિસ રોડમાં ગેરકાયદેસર પાર્કિંગ,ગાંધીધામ-આદિપુર માસ્ટર પ્લાનમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારોમાં વાણિજય પ્રવૃત્તિ  અંગે મંજૂરી જેવા વિવિધ  પ્રશ્નો રજૂ થયા હતા.આ વેળાએ અંજાર પ્રાંત અધિકારી   ડો. વી.કે. જોષી, ડીપીટીના સચિવ ટી.વેણુગોપાલ, સી.ઈ. સુરેશ પાટિલ, ડેપ્યુટી સી.ઈ. રવીન્દ્ર રેડ્ડી, રેલવે એરિયા મેનેજર આદિશ પઠાનિયા,  અંજાર અને ગાંધીધામના મુખ્ય આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer